(એજન્સી)પુડુચેરી, તા. ૧૪
દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે તનાવ ચાલુ છે. દિલ્હીમાં અધિકારીઓ પર નિયંત્રણ અને ભ્રષ્ટાચાર નિવારણ શાખાના અધિકાર ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર સુપ્રીમકોર્ટે હવે ત્રણ જજીસની બેંચને આ કેસ સોંપી દીધો છે. બીજીબાજુ અન્ય એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં ઉપરાજ્યપાલ કિરણ બેદીના ઘર રાજભવનની બહાર રાજ્યના મુખ્યમંત્રી વી. નારાયણસામી અને તેમના પ્રધાન ધરણા પર બેઠા છે. નારાયણસામી અને તેમના પાંચ પ્રધાનો તેમજ ધરણા પર બેઠેલા અન્ય લોકો પણ બુધવારે રાત્રે કિરણ બેદીના ઘરની બહાર રોડ પર ઉંઘી ગયા હતા. રાજ્યમાં પરિસ્થિત કાબૂ બહાર થઇ ગઇ છે અને ભીડને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નારાયણસામી મફત ચોખાની યોજના સહિત ૩૯ સરકારી દરખાસ્તોને મંજૂરી આપવાની કિરણ બેદી સમક્ષ માગણી કરી રહ્યા છે. બુધવારે પુડુચેરીના મુખ્યપ્રધાને કાળા શર્ટ અને કાળી ધોતી પહેરીને તેમનો વિરોધ શરૂ કર્યો હતો. સરકારની કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવાની મંજૂરી નહીં આપવા બદલ નારાયણસામી કિરણ બેદીનો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રી નારાયણસામીએ જણાવ્યું કે સરકાર માટે સમસ્યાઓ ઉભી કરવા માટે કિરણ બેદીને વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ધરણા સાથે સંબંધિત ફોટા અને વીડિયો મુખ્યમંત્રી સતત પોતાના ટિ્વટર એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે.
પુડુંચેરીના સીએમ ઉપરાજ્યપાલ કિરણ બેદીની ‘નિરંકુશતા’ સામે તેમના ઘરની બહાર ઉંઘી ગયા

Recent Comments