(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ની વિરૂદ્ધમાં ચાલી રહેલા પ્રદર્શનોની વચ્ચે જામિયા મિલ્લિયા ઈસ્લામિયા વિદ્યાર્થીઓએ કેમ્પસ અને હોસ્ટેલ ખાલી કરી દીધી છે, ત્યારે આ યુનિવર્સિટી પણ આગામી પ જાન્યુઆરી સુધી બંધ રહેશે, તેવા સમાચાર સામે આવે છે. સોમવારે વહેલી સવારે પોલીસકર્મીઓ બાળપૂર્વક જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના કેમ્પસમાં ધસી આવ્યા હતા અને તેમણે કેમ્પસમાં હિંસા આચરવાનું શરૂ કરી દીધુ હતું. જેને પગલે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને તેથી જ તેઓ પોતાની બેગ સાથે કેમ્પસ અને હોસ્ટેલ છોડીને જઈ રહ્યા છે અને તે વેળાની તસવીરો પણ સામે આવી છે. યુનિવર્સિટીમાંથી રવાના થઈ રહેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, “અહીંનું વાતાવરણ ખૂબ જ અશાંત બની ગયું છે. લાયબ્રેરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને રવિવારે રાત્રે જ કેમ્પસમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક રૂમોને પણ આગ ચાંપવામાં આવી છે. પોલીસે અમારી મસ્જિદમાં પણ પ્રવેશ કરી લીધો, તેથી અમારે નાછૂટકે અહીંથી રવાના થવું પડી રહ્યું છે. અમારી સુરક્ષા માટે અમારા પરિવારજનો પણ અમને કેમ્પસ છોડીને જવા માટે દબાણ કરી રહ્યા છે.”