(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ઘાસ ચારા કૌભાડમાં રાજદ અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પિતાની સજા પર બોલતાં તેજસ્વી યાદવે કહ્યું કે જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. મીડિયાને સંબોધિત કરતાં તેજસ્વીએ મોદી સરકાર તથા રાજ્યની નીતિશ સરકાર પર ષડયંત્રનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે લાલુપ્રસાદને ફસાવવા માટે મોદી સરકાર તથા નીતિશ સરકારે કાવતરૂ કર્યું છે. સજાની જાહેરાત બાદ તેજસ્વી યાદવે કહ્યું કે અમને ન્યાયતંત્રમાં પુરો વિશ્વાસ છે અને તેમને જામીન મળશે તેવો પૂરો ભરોસો છે. ઘાસચારા કૌભાંડના મામલાઓ પૈકીના એક મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે આરજેડી વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની જેલની સજા આજે ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે લાલૂ ઉપર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો. મોટી બાબત એ છે કે, લાલૂને જામીન પણ આપવામાં આવ્યા નથી. આના માટે હાઈકોર્ટમાં લાલૂને જવું પડશે. દેવઘર તિજોરીમાં ગેરકાયદેરીતે ૮૯.૨૭ લાખ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત મામલામાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લાલૂ સહિત ૧૬ દોષિતોએ રાંચીની બિરસામુંડા જેલમાં એક સાથે બેસીને આ ચુકાદો સાંભળ્યો હતો.