ડીસા,તા.૮
છેલ્લા સત્તર વર્ષથી સરકાર દ્વારા ગાયો માટે પાંજરાપોળને કોઈ સહાય ન ચુકવાતા આજે નાયબ કલેકટર કચેરી ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, નાથાભાઈ પટેલ, પ્રકાશભાઈ ભરતિયા, દીપકભાઈ પટેલ, કાંતિલાલ ઠક્કર સહિતના બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જો સરકાર ગાયો માટે સહાય નહીં ચૂકવાય તો આગામી સમયમાં જલ્દ કાર્યક્રમો યોજવામાં આવશે. અગાઉ સરકારના બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. છતાં ગાયોના નામે વોટ લેતી ભાજપ સરકાર દ્વારા કોઈ સહાય ન ચૂકવાતા આજરોજ નાયબ કલેકટર કચેરી ડીસા આગળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે ગાયો માટે પાંજરાપોળમાં પોતાના મે મહિનાનો પગાર તથા પાંચ ગાડી ઘાસ આપવાની જાહેરાત કરી હતી. બીજા રાજયમાં સુકુ ઘાસ આપવામાં આવે છે તે ગાયો ખાતી નથી, દરેક રાજયમાં પાંજરાપોળોને રોકડ સહાય આપવામાં આવે છે તો ગુજરાત સરકાર કેમ આપતી નથી ? જો સરકાર દ્વારા તાત્કાલિક સહાય પાંજરાપોળોને નહીં ચુકવાય તો જલ્દ કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. સરકાર જો પૂરમાં જમીન ધોવાણની સહાય કરી શકતી હોય મરેલા પશુઓની સહાય ચુકવી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં સરકાર બે રૂપિયે કિલો ઘાસ આપવાની વાત કરે છે તે જંગલી ઘાસ પક્ષુઓ ખાતા ન હોય નાખી દેવું પડે છે અમને અહીં બે રૂપિયે કિલો લીલુઘાસ મળે છે જે ખરીદી કરી સરકાર પ્રતિનિધિને હાજર રાખી બારોબાર ચુકવણું કરવું જોઈએ. ગૌ-શાળાના નામે વોટ લેતી સરકાર પાંજરાપોળોને તાત્કાલિક સહાય ચુકવવી જોઈએ આ પ્રસંગે ગોવાભાઈ દેસાઈએ સરકારની ઝાટકણી કાઢી સત્તર વર્ષથી ગાયોના નામે વોટ લેતી સરકારને પાંજરાપોળોને તાત્કાલિક સહાય ચૂકવવા અપીલ કરી હતી તેમજ અલ્પેશ ઠાકોર ધરણામાં પાંજરાપોળના સંચાલકોએ હવે સરકાર મફતમાં ઘાસ આપે તેવી માંગ કરી છે.