કચ્છ,તા.૧૦
ચોમાસામાં ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હોઈ આખો જિલ્લો કોરોધાકોડ રહેતા ઢોરોનાં ઘાસચારાની અછતની પરિસ્થિતિ ઊભી થતા પશુધનને બચાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોના પશુઓને ઘાસચારો પૂરો પાડવા માટે કચ્છ જિલ્લા કલેકટર, નાયબ કલેકટર અને ત્રણ મામલતદારોને કચ્છમાં ઝડપભેર ઘાસ લાવવાની કામગીરી અને રોજે-રોજ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને અને જિલ્લામાં ઘાસની પરિસ્થિતિ ઝડપભેર થાળે પાડવા જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી અને બોટાદ ખાતેથી ઘાસની રોજેરોજ આવક રહે તેવી રાજ્ય સરકારે વ્યવસ્થા ગોઠવી જવાબદારીઓ સોપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ચાલું વર્ષે ચોમાસાની ઋતુમાં કચ્છ જિલ્લામાં ખૂબ જ નહિવત વરસાદ પડતાં અછતની પરિસ્થિતિ ઊભી થતા પશુઓ માટે ઘાસચારાની અછતને પહોચી વળવા રાજ્ય સરકારે કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં રોજે રોજ અન્ય જિલ્લાઓમાંથી ઘાસચારો મંગાવવાની વ્યવસ્થા અને વિતરણની વ્યવસ્થા કરાવવાની જવાબદારીઓ સોપવામાં આવી હતી. ગત ચોથી સપ્ટેમ્બરની સ્થિતિએ ૬૨ ટ્રકો રવાના કરાઇ હતી. જૂનાગઢથી ૯, સુરેન્દ્રનગરથી ૮, ભાવનગરથી ૨૬, જામનગરથી ૫, અમરેલીથી ૮ અને બોટાદથી ૬ ટ્રક કચ્છ માટે લોડિંગ કરી ઘાસની રવાનગી કરાઇ હતી.