હિંમતનગર,તા.ર૭
હિંમતનગરની સિલ્વર ગ્રીન સ્કૂલના ધોરણ ૭મા ભણતા એક વિદ્યાર્થીને એરગનમાંથી છુટેલો છરો જાંઘમાં ઘૂસી જતા ઈજા થઈ હતી. ત્યાર બાદ ચાર કલાકનો સમય વીતિ ગયા બાદ આ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે બપોર પછી હિંમતનગરની સિવિલમાં લઈ જવાયો હતો. જે અંગે બી-ડિવિઝન પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરની વિદ્યાનગરી સંચાલિત સિલ્વર ગ્રીન સ્કૂલમાં ધો.૭મા ભણતા આશુતોષ રાધેશ્યામ તિવારી નામના વિદ્યાર્થીને સતર્ક સવારે વિધાનગરીના ગ્રાઉન્ડમાં પી. ટીના ઈન્સ્ટ્રકર દ્વારા બાળકોને એરગનની તાલીમ અપાઈ રહી હતી. દરમ્યાન સવારે ૧૧.૩૦ના સુમારે આશુતોષને છરા ભરેલી એરગન રૂમમાં મુકવા માટે આપી હતી. જયાં અચાનક ગમે તે કારણસર એરગનમાંથી છુટેલો છરો આશુતોષની જાંઘમાં ઘૂસી જતા તે ઈજાગ્રસ્ત થયો હતો. તો બીજી તરફ ઈજાગ્રસ્ત આ વિદ્યાર્થીને સારવાર માટે બપોરે ૧.૦૦ વાગ્યાના સુમારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને તે અંગે સિવિલની ચોકીમાં ફરજ બજાવતા જમાદારે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આશુતોષને એરગનનો છરો વાગ્યા બાદ તેને તરત જ કેમ સારવાર માટે ન લઈ જવાયો તે સમજાતું નથી જે અંગે એવી પણ ચર્ચા સાંભળવા મળી છે કે વિદ્યાનગરીના સંચાલકો આ ઘટનાને સામાન્ય ગણીને તેને દબાવી દેવાના પ્રયાસ કરી રહ્યાં છે અને એમ પણ મનાય છે કે જો અત્યારે સ્કૂલોમાં સત્રાંત પરીક્ષા ચાલી રહી છે ત્યારે એરગનની તાલીમ આપવા માટેનો કાર્યક્રમ કેમ રખાયો હતો. તે અંગે પોલીસ તંત્રએ ઉંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. હાલ તો ઈજાગ્રસ્ત બાળકના વાલી કે જેઓ સિરામીક ઝોનમાં રહે છે તેઓએ પણ આ અંગે કઈપણ કહેવાનો નન્નો ભણી દીધો હતો. તેથી સમગ્ર ઘટના કેવી રીતે બની તે તો પોલીસ સાચી દિશામાં શહેશરમ રાખ્યા વિના તપાસ કરી જાહેર કરે તો જ ખબર પડી શકે તેમ છે.