(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતો જમીન દલાલ ગતરોજ રાજકોટથી સુરત આવવા માટે લક્ઝરી બસમાં સુરત આવવા નિકળ્યો હતો. બસમાં સાથેના સોફામાં બેસેલા ઇસમે તેની સાથે વાતો કરી વાતોમાં ભેેળવી લીધો હતો અને બાદમાં ઘેનયુક્ત બિસ્કીટ ખવડાવી તથા દૂધ પીવડાવ્યું હતું. જેના કારણે જમીન દલાલ બેભાન થઇ જતા ગઠિયો રોકડા રૂપિયા ૨૫ બજાર તથા સોનાના દાગીના મળી કુલ ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ અંબિકા નગર સોસાયટીમાં રહેતા ધીરજલાલ ગાડુંભાઇ દોમડીયા જમીન દલાલીનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરના કામ માટે તેઓ વતન રાજકોટ ગયા હતા. જ્યાંથી તેઓ સુરત પરત આવવા માટે ૦૯-૦૯-૨૦૧૮ના રોજ રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી પુષ્ટીદર્શન ટ્રાવેલ્સ ની બસ નં. ૬૩૦૦માં બેઠાં હતા. સિંગલ સીટ ન મળતા તેઓએ ડબલના સોફામાં એક ભાગ બુક કરાવ્યો હતો. આ દરમિયાન બાજુમાં અન્ય ૪૦થી ૪૫ વર્ષનો એક મુસાફર આવ્યો હતો. જેથી ધીરજભાઇએ તેને નામ ઠામ પુછતા તેનું નામ સુરેશભાઇ કંશારા જણાવ્યું હતું અને ઉધના બસ સ્ટેન્ડની સામે મહાવિર કોમ્પલેક્ષમાં ખોડિયાર વાસણ નામે દુકાન ચલાવતો હોવાની વાત કરી હતી. જોકે, બાદમાં સુરેશ નામના ઇસમે ધીરજભાઇ સાથે વાતો કરી વિશ્વાસ સંપાદન કર્યો હતો. જોકે, બાદમાં રાત્રીના સાડા દશેક વાગે લક્ઝરી બસ ચોટીલા મ્યુનિસિપલ કોર્પોરેશન નામે બોર્ડની સામે આવેલ હોટલ પાસે ઉભી રહી હતી. જ્યાં સુરેશ નામના ઈસમે ઘેન ચડે તેવી બિસ્કીટ તેમજ દુધ-પીવડાવી દેતા ધીરજભાઇ ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા. ત્યારબાદ આ ઇસમે ધીરજભાઇના પાંચ તોલા સોનાની ચેન, એક તોલાની વીટી, રોકડા રૂપિયા ૨૫,૦૦૦ અને મોબાઇલ મળી કુલ ૧.૫૦ લાખની મુદ્દામાલ સાથે ફરાર થઇ ગયો હતો. સુરત પહોંચ્યા બાદ ધીરજભાઇને ચોરીની જાણ થતા તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે હાલ તો પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.