(સંવાદદાતા દ્વારા) ઉના,તા.૪
ઉના શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાઈન ફલુએ દેખાવ દેતાં અને બે વ્યકિતનાં મોત થયાંની પુષ્ટી આરોગ્ય વિભાગે કરતાં તેમજ શહેરનાં ગીરગઢડા રોડ પર આવેલા ગોલ્ડન સિટી વિસ્તારમાં, તાલુકાના ભાચા, નવાબંદર, સંજવાપુરમાં વધું સ્વાઈન ફલુ છ કેસો સામે આવ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા આ વકરી રહેલાં સ્વાઈન ફલુને અંકુશ લેવાં ૩૪ ટીમોને શહેરમાં ઉતારીને શરદી, ઉધરસ, તાવ, ન્યુમોનિયા જેવાં લક્ષણો ધરાવતાં શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા તાત્કાલીક બ્લડ રિપોર્ટ માટે મોકલાવીને સ્વાઈન ફલુનાં ચેકઅપ કરવાં લેબોરેટરીમાં મોકલાવી રહ્યા છે. હાલમાં ઉના શહેરમાં રહેતાં વિમલ એમ સોલંકી (ઉ.વ.૨૦), અંજુબેન એમ સોલંકી (ઉ.વ.૪૦), તેજલબેન. કે. ગોહિલ (ઉ.વ.૩૦) તેમજ નવાબંદરમાં રફીક હાજીભાઇ (ઉ.વ.૪૦)ને સ્વાઈન ફલુના પોઝેટીવ કેસો સામે આવતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયા છે.
આ અગાઉ તા.૨૦ ફેબ્રુ, ૨૦૧૯નાં રોજ ભાચા ગામે રહેતા નાજાભાઈ ભગવાનભાઈ છેલાણા તેમજ સંજવાપુર ગામનાં રાજેશભાઈ સવદાસભાઈ સોલંકી (ઉ.વ.૪૫)નું તા.૧ માર્ચ, ૨૦૧૯ના રોજ સ્વાઈન ફલુને લીધે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાલમાં છ વધું દર્દીઓનાં પોઝેટીવ કેસો સામે આવતા વકરી રહેલાં સ્વાઈન ફલુને લીધે સારવાર માટે પ્રાઈવેટ તેમજ સરકારી હોસ્પિટલોમાં સ્વાઈન ફલુનાં શંકાસ્પદ જણાતાં ચિન્હોને ગંભીરતાથી લઈને તાત્કાલીક સારવાર માટે દર્દીઓને મોકલી તેમની જીંદગી ન છીનવાઈ તેની તકેદારી રાખવાં તંત્ર દોડતું થયુંં છે. નવાબંદર, સંજવાપુર ભાચા સહિતના અનેક ગામોમાં પણ દશથી વધું ટોમો આરોગ્ય વિભાગે ઘેર-ઘેર જાગૃતિ માટે ઉતારીને સ્વાઈન ફલુ અંગેની તપાસ હાથ ધરેલ છે.