વાગરા,તા.૨૭
અનેક અંતરાયો તેમજ બબ્બે વખત ફેરીના લોકાર્પણ કાર્યક્રમોની જાહેરાતના અંતે દહેજ-ઘોઘા રોપેક્સ ફેરીની શરૂઆત થતા વાહન ચાલકો અને મુસાફરોની ઇંતેજારીનો અંત આવ્યો હતો. મુખ્યમંત્રીએ ઘોઘાથી રોપેક્સ ફેરીના જહાંજમાં લિલી ઝંડી બતાવી તેમાં સવાર થઈ દહેજ ખાતે આવી પહોંચ્યા હતા.
આજ રોજ ઘોઘા બંદરેથી રોપેક્સ ફેરીના જહાંજને લીલી ઝંડી આપી તેમાં સવાર થઈ દહેજ ખાતે મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા. આ સાથેજ દહેજ ઘોઘા વચ્ચેનો ૩૬૦ કિલોમીટરનો સડક માર્ગનું અંતર ઘટીને દરિયાઈ માર્ગે માત્ર ૩૧ કિ.મી.માં તબદીલ થઇ જશે તેમ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોરો ફેરી અને રોપેક્સ સેવાનું ખાતમુર્હત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૨માં કર્યું ત્યારે સમગ્ર પ્રોજેક્ટ માત્ર ૧૫ મહિનામાં શરૂ કરવાનું એલાન કર્યું હતુ. પરંતુ સદર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વધુ સમય લાગતા પ્રથમ ચરણમાં ૨૨મી ઓક્ટોબર ૨૦૧૭ના વડાપ્રધાન માત્ર મુસાફર માટેની રોરો ફેરી સર્વિસનું લોકાર્પણ કરી શક્યા હતા. જ્યારે આજરોજ બીજા તબક્કામાં ઘોઘા ખાતેથી વાહનો તેમજ મુસાફરોની રોપેક્સ ફેરી સેવાને પ્રસ્થાન કરાવી જહાંજ માંજ વાગરાના દહેજ બંદરે આવી પહોંચ્યા હતા. રોપેક્સ ફેરીની શરૂઆત થતા દહેજ અને ભાવનગર વચ્ચે અવર જવર કરવાજવા ઇચ્છતા લોકો અને વાહન ચાલોકોના સમય, ઇંધણ અને નાણાંની બચત થશે.