(એજન્સી) શ્રીનગર, તા.૩૧
જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં વાસ્તવિક અંકુશરેખા (એલઓસી) નજીક પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમ (બેટ)એ ભારત પર હુમલો કરવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના સ્વાંગમાં ઘૂસેલા પાક. રેન્જર્સ (બે ઘૂસણખોરો)ને ઢાળી દીધા હતા અને બેટના હુમલાની કોશિશને નિષ્ફળ બનાવી હતી.
રવિવારે વહેલી સવારે એલઓસીમાં ઘૂસી રહેલા પાકિસ્તાનની ખતરનાક બોર્ડર એકશન ટીમના સૈનિકોની કોશિશને સમર્થન આપવા માટે પાકિસ્તાની બોર્ડર પોસ્ટ પરથી મોર્ટાર અને રોકેટ જેવા ભારે શસ્ત્રોના હુમલાઓ કરવામાં આવ્યા હતા.
ભારતીય દળોએ બેટના આ હુમલાને નિષ્ફળ બનાવીને બે પાકિસ્તાની સૈનિકોને ઢાળી દીધા હતા. ઠાર મારવામાં આવેલા આ બે પાક. રેન્જર્સ પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો પણ જપ્ત કરાયા હતા. જપ્ત કરાયેલા શસ્ત્રો પર પાકિસ્તાનના માર્કા હતા. ઘૂસણખોર પાક. રેન્જર્સ પાસેથી મળી આવેલ શસ્ત્રોમાં આઈઈડી, જ્વલનશીલ સામગ્રી, વિસ્ફોટક શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રીના જંગી જથ્થાનો સમાવેશ થતો હતો. આ ઘૂસણખોરોએ પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ દરમિયાન ધારણ કરવામાં આવતો ગણવેશ પહેર્યો હતો. બેટની જે ટીમ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતી તે જંગલોના માર્ગે ભારતીય સેનાની અગ્રિમ ચોકીઓ પર હુમલો કરવા ઈચ્છતી હતી. સેનાએ જણાવ્યું હતું કે, ઘૂસણખોરોને પાકિસ્તાની ચોકીઓ દ્વારા હાઇ કેલિબર શસ્ત્રો મારફતે જબરદસ્ત કવર ફાયરિંગ મળી રહ્યું હતું. કેટલાક ઘૂસણખોરો બીએસએફ અને જૂની પેટર્નના આઈએ ગણવેશમાં પણ જોવા મળ્યા હતા. ગાઢ જંગલોમાં ઘૂસણખોરો પાસેથી જે પ્રકારનો સામાન અને શસ્ત્રો મળી આવ્યા છે તેને જોઈને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની સેના નવા વર્ષ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતી. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, તેઓ પાકિસ્તાનને કહેશે કે, આ ઘૂસણખોરોના શબ પરત લઈ જાય. કારણ કે એવું પ્રતિત થઈ રહ્યું છે કે, ઠાર મારવામાં આવેલ ઘૂસણખોરો પાકિસ્તાની સેના પાક. રેન્જર્સના સૈનિકો છે.
આપણા જવાનોએ સીમા પાર કરીને આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને તેમને પાઠ ભણાવ્યા બાદ હવે પાકિસ્તાની સ્નાઈપર્સ આપણી સેના પર ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્નાઈપર એટેકમાં આ વર્ષે આપણા જેટલા આર્મી જવાનો શહીદ થયા છે તે સેના માટે ચિંતાની વાત છે. સેનાના એક અધિકારીનું માનવું છે કે, પાકિસ્તાને પોતાના સ્નાઈપર્સની ટ્રેનિંગમાં ઘણો સુધારો કર્યો છે અને જે રીતે પાકિસ્તાન એલઓસી પર સ્નાઈપર્સ એટેક દ્વારા હાવિ થતું દેેખાય છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પાક. શ્રેષ્ઠ તાલીમ ધરાવતા સૈનિકોનો સ્નાઇપર એટેકમાં ઉપયોગ કરી રહ્યું છે.