ભરૂચ,તા.રપ
ભરૂચ જિલ્લાના પ્રાથમિક મિશ્ર શાળા પગુથણ ખાતે ગુજરાત આઈએએસ ઓફિસર્સ વાઈવઝ એસોસીએશન (GIASOWA) લર્નિંગ સેન્ટરનું રિબિન કાપીને ખુલ્લું મુકતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પગુથણ ગ્રામવાસીઓને લર્નિંગ સેન્ટરનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી. તેમણે આજે આ બાળકો આટલી સારી એક્ટીવીટી કરતાં થયા છે જે લર્નિંગ સેન્ટરની સફળતાની પારાશીશી છે.
આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતી, GIASOWAના પ્રેસીડન્ટ મીનાસીંગ, સિનિયર એક્ઝ્યુક્યુટીવ મેમ્બર બીના કૈલાસનાથન, જીએનએફસી લેડીઝ કલબના પ્રમુખ સાધનાબેન ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સરકારના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પ્રયાસોમાં સ્વૈચ્છીક સંસ્થાઓ અને ગ્રામજનોના યોગદાનને બિરદાવ્યું તથા જ્ઞાન સાથે ગમ્મત પીરસતા અને બાળકોના સર્વાંગી વિકાસમાં સહાયક બનતા આવા પ્રયાસો માટે વધુને વધુ સ્વૈચ્છીક સંસ્થાઓ આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર શ્રીમતી પી.ભારતીએ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણની વિગતે જાણકારી આપી.
GIASOWAના પ્રેસિડન્ટ શ્રીમતી મીના સિંઘે આ ચોથા સેન્ટરના પ્રારંભ બાદ તમામ જિલ્લાના એમના એસોસિયેશન મારફત આવા લર્નિંગ સેન્ટર શરૂ કરવાના પ્રયાસ કરવા જણાવ્યું હતું.
જી.એન.એફ.સી. લેડીઝ ક્લબના પ્રેસિડન્ટ શ્રીમતી સાધનાબેન ડાગુરે શિક્ષણ તથા આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ માટે જી.એન.એફ.સી.ની નારદેશ સંસ્થા દ્વારા શરૂ કરેલ વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ લર્નિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આ પ્રસંગે વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન પણ શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે પગુથણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતા, GIASOWAના મહિલા સદસ્યો, જીએનેએફસી લેડીઝ કલબના સભ્યો, સરપંચશ્રી નરેશભાઈ વસાવા, પગુથણ મિશ્ર શાળાના આચાર્ય પુષ્પાબેન રાણા, ગામ આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે જોઈન્ટ સેક્રેટરી પ્રતિક્ષા મોધેએ આભારવિધિ કરી હતી.