ઉના, તા.૧૩
ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે નર્મદા મહોત્સવ રથયાત્રા આવવાની હોય ગ્રામપંચાયત દ્રારા ગ્રામજનો આ રથયાત્રાનો વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યા નગડીયા ગામે પણ આ રથયાત્રાનો ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો બહિષ્કાર કરવાના હોવાની ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઇ બલદાણીયાએ ગીરગઢડા મામલતદારને સાત મુદાની લેખિત રજુઆત કરી નર્મદા રથયાત્રાનો બહિષ્કાર કરવા જણાવેલ હતું.
નગડીયા ગ્રામ પંચાયત દ્રારા મામલતદારને લેખિતમાં કરેલ રજુઆતમાં જણાવ્યા મુજબ નગડીયા ગામના મુખ્ય માર્ગથી ગામને જોડતો ૧ કિ.મી રોડ દોઢ વર્ષથી મંજુર થયેલ હોવા છતાં કામ શરૂ થયેલ નહી.તેમજ ગ્રામ પંચાયત કચેરી પણ છેલ્લા ૩ વર્ષથી ગામમાં ન હોય અને નવી કચેરી મંજુર હોવા છતાં પણ પંચાયત કચેરીનું કામ શરૂ થયેલ નથી. સરકાર પાસે વિકાસના કામો કરવાની ગ્રાન્ટ નથી કે શું ? તે સિવાય ગીરગઢડા તાલુકા પંચાયતમાં વર્ષ ૨૦૧૭-૧૮ ના આયોજનની ગ્રાન્ટમાંથી એક પણ વિકાસનું કામ મંજુર થયેલ નથી આ બાબતે ૪ માસ પહેલા લેખિતમાં રજુઆત કરવા છતાં પણ હજુ સુધી કોઇ જવાબ મળેલ નથી. ગામમાં નવાગામતળના પ્લોટોની જાહેર હરાજીથી લોકોને મળી રહે તેવી વારંવાર રજુઆત કરવા છતાં આ બાબતનો પણ ઉકેલ આવેલ નથી.તેમજ ગામની પ્રાથમિક શાળામાં પુરતા રૂમ ન હોવાથી વિદ્યાર્થીઓને ભણવાની પણ પુરતી સુવિધા મળતી નથી. આ બાબતે અઢી વર્ષ પહેલા શાળાની તપાસ અર્થે આવેલ કલેક્ટરને રજુઆત કરી હોય કલેક્ટરે પણ નવા ઓરડા બનાવવાની મંજુરી આપી વહેલી તકે ઓરડાનું કામ પુરુ થાઇ તેવી વાત કરેલી પરંતુ હજુ સુધી શાળામાં ઓરડા બનેલ નથી. આમ સરકાર દ્રારા વિકાસની વાતો થાય છે. અને કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ યાત્રાઓ કાઢી મસમોટી વાતો કરે છે. પરંતુ લોકોની સુખાકારી માટે પાયાની સુવિધા પુરતી ઉપલબ્ધ ન હોય અને માત્ર સરકારના પદાધિકારીઓ અને અધિકારીઓ વિકાસની વાતો કરે છે. જે અમારા ગામના ગ્રામજનોએ સાંભળવી નથી તેથી નર્મદા રથયાત્રાનો બહીષ્કાર કરી આ રથયાત્રામાં એક પણ વ્યક્તિ નહી જોડાઇ તેવું સરપંચ હરેશભાઇ બલદાણીયાએ જણાવેલ હતું.