ઉના, તા.ર૯
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ઉના ગીરગઢડા પંથકમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઇકાલે દેલવાડામાં એક કલાકમાં એક ઇંચ વરસ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી ઉના, ગીરગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો. જેમાં દેલવાડા, કેસરિયા, જુડવડલી, સીમાસી, કાંધી, પડાપાદર ગામમાં બપોરના ચાર વાગ્યા સુધીમાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને સામતેર, કાણકબરડા, સનખડા, વડવિયાળા, ખાપટ, ધોકડવા, નવાબંદર, સૈયદ રાજપરા, ઉમેજ સહીત ગામોમાં છૂટોછવાયો તો ક્યાંક અડઘો ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા અને ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરમાં પાણીના ખાબોચિયા ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અમૂક ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાથી આકાશમાં વરસાદી માહોલ જામ્યો હતો. પરંતુ મેઘરાજા મનમૂકીને વરસે તેવી લોકોમાં આશા સેવાઈ રહી છે.