ઉના,તા.૩
ઉના પંથકમાં સવારથીજ ધોધમાર વરસાદ વરસાવતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી મેઘરાજા મનમુકીને વરસતા શહેરમાં ઠેર-ઠેર પાણી જોવા મળેલ અને કેટલાક નિચાણ વાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને શહેરની મચ્છુદ્રી નદીના પુલ ઉપર પહેલા વરસાદએ પાણી પાણી કરી દેતા વાહન ચાલકોને પોતાનુ વાહન ચલાવવુ મુશ્કેલી પડી રહ્યુ હતુ. તેમજ પોલીસ સ્ટેશનની બાજુમાંના રસ્તા પર વરસાદી પાણીથી જાણે તળાવ ભરાયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને વિદ્યાર્થીઓને તથા વાહન ચાલકોને અવર જવર માટે મુશ્કેલી પડી હતી. આમ સવારથીજ વરસાદી માહોલ સાથે મેધરાજાએ મનમુકીને વરસતા બજારોમાં સન્નાટો છવાયો હતો. સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ખેડૂતોને વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથીજ મેધરાજા હેત વરસાવતા ખેતરોમાં પાણી ભરાયા હતા. સમગ્ર પંથકમાં ૧ થી ૫ ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબકી પડતા લોકો ખુશીની લહેર જોવા મળેલ છે. જ્યારે તાલુકાના ઉના અને ગીરગઢડા ગ્રામ્ય વિસ્તારોમાં સામતેર, કાણકબરડા, ઉમેજ, રમેશ્વર, સુલતાનપુર, કાંધી, દ્રોણ, કોદીયા, સનવાવ, જાખીયા, ઝુડવડલીપ્‌ ખાપટ નવાબંદર, દેલવાડા, કેસરીયા, કોબ, ચિખલી, પાલડી, સૈયદ રાજપરા, સનખડા, ગાંગડા, ઉંટવાળા, ખત્રીવાડા, પસવાડા સહીતના ગામોમાં ૧ થી ૩ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ જાણવા મળે છે. વરસાદના કારણે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વિજ થાંભલા તેમજ વાયરોમાં શોર્ટ સર્ક્રિટ થવાના કારણે અને થાંભલા પડી જવાથી વિજ પુરવઠો ખોરવાયો હોવાથી અંધારા સર્જાયા છે. ભારે વરસાદના કારણે દરીયાઇ પટ્ટી પર આવેલ અરબી સમુદ્ર ભારે તોફાની બનેલ હોય અને ઉંચા મોજાઓ ઉછળી રહ્યા હોવાનું જોવા મળે છે.
ગીરગઢડામાં મેધો મહેરબાન..
ગીરગઢડા તાલુકાના ધરતીપુત્રો જેની આતુરતા પુર્વક રાહ જોતા હતા તે મેધરાજાની સવારી આવી પહોચતા મેધો મહેરબાન બની જતા ગીરગઢડા પંથકમાં અવીરત વરસાદ વરસતા ૪ ઇંચ જેટલો નોંધાયો હોય અને ગરમીમાં પણ રાહત થયેલ છે. વડવીયાળામાં પણ ૪ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. અને આ લખાય છે ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે.