(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૮
ગીર અને ગીરનારનાં જંગલમાં ચંદનચોર ટોળકી ઉતરી હોય તેમ સાસણ નજીક વર્ષો જૂના કપાયેલા ઝાડવા મળી આવતાં વન વિભાગના સ્ટાફથી લઈને અધિકારી સુધીના સ્ટાફ દોડી ગયા હતાં. વૃક્ષો મુકીને ભાગી ગયેલા ચંદન ચોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
સાસણ નજીક કનકાઈ પોસ્ટ પાસે કમલેશ્વર ડેમ તરફ ૩પ વર્ષ જૂના ચંદનના વૃક્ષો કપાયાની જંગલ ખાતાને જાણ થતાં ઘટના સ્થળે જઈ તપાસ કરતાં ૯ વૃક્ષો કપાયેલી હાલતમાં મળી આવ્યા હતાં. વન વિભાગે સ્થળ તપાસ કરતાં ઘટના સ્થળેથી વૃક્ષ કટીંગના ઓજારો અને થેલો મળી આવેલ હતો. જેમાં એક વ્યક્તિનો ફોટો મળી આવતાં વન તંત્ર વિભાગે ફોટાના આધારે આરોપીના સઘડ મેળવવા પ્રયાસ હાથ ધરેલ છે. ગીર અને ગીરનારનાંજંગલમાં વારંવાર ચંદનનાં ઝાડવાનું કટીંગ થવાની ઘટના સામે આવતી રહે છે. એશિયાટીક સિંહોના મુખ્ય રહેઠાણ એવા સાસણમાં તંત્રની આંખમાં ધૂળ નાંખી ચંદનના વૃક્ષો કાપવામાં સફળ થનાર તત્વોને ઝડપી લેવા વન વિભાગે થેલામાંથી મળેલા ફોટોના આધારે તપાસ હાથ ધરી છે.