(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૨પ
જેમની એક ત્રાડથી જંગલના પશુ-પક્ષીઓ ભયના માર્યા નાસભાગ કરતા હોય છે, તે ગીરના ગૌરવ સમાન એશિયાટીક સિંહોને કાળામાથાના માનવીએ બકરી જેવા બનાવી દીધા છે. મારણ મૂકી શિકાર કરાવવો, પજવણી કરવી, સર્કસના સિંહની જેમ ઈશારા પર નચાવવા જેવી બાબતો સામાન્ય થઈ ગઈ છે, ત્યાં સિંહણને મરઘીનું મારણ મૂકી કૂતરાની જેમ લલચાવતો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ગીરપંથકનું હીર ગણાતા એશિયાટીક ગીરના સાવજનો મરઘી જેવા પશુઓ મૂકીને લાઇવ શો કરાતા હોય, તેવા વીડિયો વાયરલ થયા બાદ ગીરગઢડા પંથકના ૭ જેટલા શખ્સોની સંડોવણી ખૂલતા વનવિભાગે આ શખ્સો સામે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ દલખાણિયા રેન્જમાં ૨૩ જેટલા સિંહો વાયરલનો ભોગ બનતા મોત નિપજ્યાની ઘટના બની હતી. આ તપાસ અને સિંહ સંરક્ષણ બાબતે વનતંત્ર હજુ દોડાદોડી કરે છે. આવા સમયે ગીરમાં મરઘી મૂકી એક શખ્સ ખૂરશી પર બેસી ભક્તાણી નામની સિંહણને મરઘી આપી લલચાવી તેને માથે ટપલી મારી પજવણી કરતો શરમજનક વીડિયો વાયરલ થતા આ શખ્સની સિંહ સાથેની હિંમત અને સિંહણ મરઘીની લાલચમાં જીવ જોખમમાં મૂકીને મરઘી ખાવા લપાતી લપાતી આગળ વધી રહી છે, તે દૃશ્યનો વીડિયો હાલ વાયરલ થતાં વન વિભાગની ઊંઘ ઊડી ગઈ છે.