(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૧૭
ઉના ગુજરાત સરકાર દ્વારા ગીરગઢડા તાલુકા મથકના ગામોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો અપાયો નવું અદ્યતન બિલ્ડીંગ અદ્યતન મશિનરીઓ ફાળવાઇ પરંતુ આ આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગે દવાનો જથ્થો ઉપલબ્ધ હોતો નથી. ગરીબ દર્દીઓને ડૉક્ટરો દ્વારા બહારના મેડિકલ સ્ટોરથી ખરીદવા દવાની ચિઠ્ઠી લખી અપાઇ છે. પ્રસૂતિની પીડા ભોગવતી ગર્ભવતી મહિલા સ્ત્રીને દવા ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવાનું કહેવાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં કૂતરા અને ભૂંડ કરડવાના બનાવો બને છે. તે વખતેે ઇજા પામી આવતા દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શન પણ સારવાર કેન્દ્રમાં ન હોવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. અને બહારથી મોંઘા ભાવના ઇન્જેક્શન લાવવા પડે છે. ક્યારેક તો ગીરગઢડા તાલુકાના નાના એવા હરમડીયા ગામે આવેલ હડકવા વિરોધી ઇન્જેક્શનો લેવા જવું પડે છે. આ હોસ્પિટલને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દરજ્જો મળવા છતાં ડોક્ટરો તેમજ સ્ટાફ પૂરતો ફાળવવામાં આવેલ નથી. આટલી મોટી હોસ્પિટલમાં અદ્યતન સાધનો હોવા છતાં તેનો લાભ ગ્રામ્ય પ્રજાને મળતો નથી.
ગ્રામપંચાયત ગીરગઢડા તથા સ્થાનિક આગેવાનો દ્વારા આ હોસ્પિટલમાં સુખદ પરિણામ નહીં આવે તો આરોગ્ય તંત્ર સામે ઉગ્ર આંદોલનના એંધાણ મંડાય રહ્યા છે.