(એજન્સી) લખનૌ, તા.૧૦
દેવરિયામાં બાલિકા સંરક્ષણ ગૃહમાં કથિત રૂપે બાળકીઓ સાથે જાતીય શોષણ થવાનો કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો અને તેની સંચાલક ગિરીજા ત્રિપાઠી હવે પોલીસ હિરાસતમાં છે. આ ગિરીજા ત્રિપાઠી ગત એક વર્ષથી એક બે નહીં પરંતુ ગોરખપુર અને દેવરિયામાં ઘણા મહિલા સંરક્ષણ ગૃહો ચલાવી રહી છે અને આ દરમિયાન દિવસ રાત તેમની પ્રગતિ પણ થતી રહી. ગિરીજા ત્રિપાઠી અને તેના પતિ મોહન ત્રિપાઠીને નજીકથી જાણતા દિનેશ મિશ્ર જણાવે છે કે, મોહન ત્રિપાઠી અહીંયા નજીકમાં આવેલા નુનખાર ગામનો રહેવાસી છે. તે પહેલાં મિલમાં કામ કરતો હતો. ત્યારબાદ મિલ બંધ થઈ જતાં તેની નોકરી પણ જતી રહી. ગિરીજા ત્રિપાઠીએ ત્યાં જ એક સંસ્થા બનાવીને મહિલાઓને સિવણકામ શીખવાડવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તે મા વિંધ્યવાસિની સેવા સમિતિ બનાવીને મહિલા સંરક્ષણ ગૃહ ચલાવવા લાગી. આ સંસ્થાના નામે તે ઘણા મહિલા સંરક્ષણ ગૃહ, વિધવા આશ્રમ અને કેટલાક પરામર્શ કેન્દ્ર ચલાવતી હતી. હાલ તો આ દરેક કેન્દ્રોની તપાસ ચાલી રહી છે અને દેવરિયા રોડ પર આવેલા મા વિંધ્યવાસિની બાલિકા સંરક્ષણ ગૃહને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. ગિરીજા ત્રિપાઠી આજે લોકોની નજરોમાં ‘ખલનાયિકા’ જેવી દેખાઈ રહી છે પરંતુ આના થોડા દિવસ અગાઉ દેવરિયા અને ગોરખપુરમાં તેની છબી એક સમાજસેવિકા તરીકેની હતી. સરકારી અને બિનસરકારી સ્તર પર ચાલનારી ઘણી સામાજિક સંસ્થાઓ અને સમિતિઓની તેણીની સભ્ય રહી છે. રેડક્રોસ સોસાયટી જેવી સંસ્થાઓ તેમને સન્માનિત કરતી રહી છે. ગત વર્ષે ફિક્કીએ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં કામ કરનારી દેશની જે ૧પ૦ મહિલાઓને સન્માનિત કરી હતી તેમાં ગિરીજા ત્રિપાઠી પણ સામેલ હતી. તેને ઘણા સ્થાનિક કાર્યક્રમોમાં અતિથિ તરીકે બોલાવવામાં આવતી હતી. કહેવાય છે કે, જિલ્લાના અધિકારીઓથી લઈને રાજકીય દળોના નેતાઓ સુધી તેમના સંબંધ સારા રહ્યા છે અને જાણકારો અનુસાર આ જ કારણ રહ્યું છે કે તેમની સંસ્થાઓમાં અંદરખાને શું થઈ રહ્યું છે તે વિશે કોઈને પણ જાણ થઈ શકી નથી અને આ સંસ્થાઓને સરકારી ફંડ પણ મળતું રહ્યું છે. ગિરીજા ત્રિપાઠીની પુત્રી કંચનલતા ત્રિપાઠી પણ આ સંસ્થાઓને ચલાવવામાં તેમની મદદ કરતી હતી અને ભાજપના એક નેતા સાથે તેમની તસવીર આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ખૂબ જ ચર્ચામાં છે. કંચનલતા ત્રિપાઠી પણ હાલ પોલીસ હિરાસતમાં છે.

દેવરિયા આશ્રય ગૃહની સંચાલિકા વૃદ્ધાશ્રમ
પણ ચલાવતી હતી, તબેલામાં રહેતા હતા વૃદ્ધો

(એજન્સી) લખનૌ, તા.૧૦
દેવરિયા આશ્રય ગૃહની સંચાલિકા ગિરીજા હવે અન્ય એક કેસમાં ફસાતી જોવા મળી રહી છે. હકીકતમાં ગિરીજા મા વિંધ્યાવાસીની સંસ્થા હેઠળ વૃદ્ધાશ્રમ પણ ચલાવતી હતી, આ વૃદ્ધાશ્રમ શહેરથી દૂર રજલામાં આવેલો હતો. આ વૃદ્ધાશ્રમ અંગે એક મોટો ખુલાસો થયો છે. અહીં રહેતા વૃદ્ધોને વૃદ્ધાશ્રમના રૂમોમાં નહીં પરંતુ તબેલામાં રાખવામાં આવતા હતા. બે માળના આ આશ્રમમાં ૧પ રૂમો હતા. પરંતુ વૃદ્ધોને આ રૂમોમાં નહીં પરંતુ આશ્રમની બહાર બનાવવામાં આવેલા તબેલામાં રખાતા હતા. સરકાર પાસેથી આ રૂમોમાં બેડ અને ગાદલા બતાવીને ભંડોળ લેવામાં આવતું હતું, પરંતુ હકીકત કંઈક જુદી જ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીંના રૂમોને હંમેશા તાળા મારી દેવામાં આવતા હતા અને આ તાળાઓને ઢાંકી દેવા માટે તેના પર પડદા નાંખવામાં આવતા હતા. હાલ તો આ વૃદ્ધાશ્રમને સીલ કરી દેવામાં આવ્યું છે. આની દેખરેખ ગિરીજાનો પુત્ર પ્રદીપ અને પુત્રવધૂ પ્રિયંકા કરતા હતા. પોલીસે પ્રદીપની પણ ધરપકડ કરી લીધી છે.