(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
ચર્ચમાં રહેવા માટે વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે ટેવાઇ ગયેલા મોદી સરકારમાં કેન્દ્રીય મત્સ્ય અને પશુધન પ્રધાન ગિરિરાજસિંહે ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચમાં આવી ગયા છે. ગિરિરાજસિંહે આ વખતે દારૂલ ઉલૂમ દેવબંદને આતંકવાદની ગંગોત્રી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હિન્દુસ્તાનને પાકિસ્તાનનો ડર નથી પરંતુ દેશના ગદ્દારોથી ખતરો છે. દેવબંદ આતંકવાદની ગંગોત્રી છે અને દુનિયામાં આંતકવાદની ઘટનાઓનો સંબંધ દેવબંદ સાથે જ જોડાયેલો છે. દેવબંદથી આતંકવાદને હંમેશ સમર્થન મળ્યું છે. આતંકવાદી પણ અહીં આવીને રોકાયા છે, પછી તે હાફિઝ સઇદનો મામલો હોય કે અન્ય ઘટનાઓ. ગિરિરાજસિંહે એવું પણ કહ્યું કે પ્રદર્શનકારીઓ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે લડાઇ લડી રહ્યા નથી પરંતુ તેઓ ગઝવા-એ-હિંદ માટે લડાઇ લડી રહ્યા છે. ગઝવા-એ-હિંદને ભારતમાં લાવીને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગે છે. અમે તેમનો આ હેતુ પાર પડવા દઇશું નહીં. અમારી સરકાર આ લોકોને પાઠ ભણાવવા માટે સમર્થ છે. તેમણે એવું પણ કહ્યું કે દિલ્હીમાં શાહીન બાગ અને ઉત્તર પ્રદેશમાં દેવબંદ જેવા સ્થળો આત્મઘાતી બોમ્બર્સના ઉછેર કેન્દ્રો છે. શાહીન બાગમાં છેલ્લા બે મહિનાથી મુસ્લિમ મહિલાઓ દ્વારા સીએએ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ લોકો સીએએની વિરૂદ્ધમાં નથી પરંતુ ભારતના વિરોધી છે. આ એક પ્રકારની ખિલાફત ચળવળ છે. ગિરિરાજસિંહે એવો પણ દાવો કર્યો કે શાહીન બાગનો વિરોધ લાંબા સમય સુધી ચાલે એવું આંદોલન નથી. અહીં આત્મઘાતી બોમ્બર્સનું એક ગ્રુપ ઉભું કરવામાં આવી રહ્યું છે અને દેશ સામે તેની રાજધાનીમાં કાવતરૂં ઘડવામાં આવી રહ્યું છે. અગાઉ, ગિરિરાજસિંહે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સામે જામિયા મિલ્લીયા ઇસ્લામિયા અને એએમયુ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં દેશ સામે ઝેર ઘોળવાનો આરોપ મૂક્યો હતો. સાથે જ એવું પણ કહ્યું કે આવા જ લોકો માટે પાકિસ્તાન બનાવવામાં આવ્યું છે.