(એજન્સી) પટણા,તા.૨૧
વિવાદો માટે જાણીતા કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ગુરૂવારે બિહારના પુર્ણિયામાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બધા મુસ્લિમોને ૧૯૪૭માં જ પાકિસ્તાન મોકલી દેવા જોઇતા હતા. આજે સમય આવી ગયો છે કે, આપણી જાતને રાષ્ટ્રને સમર્પિત કરવી પડશે. તેમણે એવું પણ કહ્યું કે, ૧૯૪૭ પહેલા મુહમ્મદ અલી જિન્નાહએ ઇસ્લામિક રાષ્ટ્ર માટે દબાણ કર્યું હતું. તે સમયે આપણા પૂર્વજોથી થયેલી બહુ મોટી ભૂલની આપણે કીમત ચુકવી રહ્યા છીએ. જો તે વખતે જ મુસ્લિમ ભાઇઓને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત અને હિન્દુઓને અહીં લાવવામાં આવ્યા હોત તો આપણે આ પરિસ્થિતિમાં ન મૂકાયા હોત. ગિરિરાજસિંહે એવું પણ કહ્યુંં કે, જો ભારતમાં જ ભારતવંશીઓને આશ્રય નહીં મળે તો તેઓ ક્યાં જશે. નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે સમગ્ર દેશમાં કરવામાં આવી રહેલા વિરોધ વચ્ચે ગિરિરાજસિંહે આ ટિપ્પણી કરી છે. ૨૦૧૫ પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા માત્ર ગેરમુસ્લિમ શરણાર્થીઓને જ નાગરિકતા આપવાની સીએએમાં જોગવાઇ કરવામાં આવી છે. ગિરિરાજસિંહ એક નહીં ઘણી વાર મુસ્લિમો વિરૂદ્ધ પોતાનો અણગમો વ્યક્ત કરી ચુક્યા છે અને ભાજપ દ્વારા તેમને ભાગ્યે જ ખખડાવવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા ગિરિરાજસિંહે ઉત્તર પ્રદેશના દારૂલ ઉલૂમ દેવબંદને આતંકવાદની ગંગોત્રી ગણાવ્યું હતું. તેમની આ વાંધાજનક ટિપ્પણી બદલ ભાજપના વડા જેપી નડ્ડા દ્વારા બોલાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે. ગિરિરાજસિંહના વાંધાજનક નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જેએનયુએસયુના ભૂતપૂર્વ પ્રમુખ કનૈયા કુમારે જણાવ્યું કે, ગિરિરાજસિંહ પાસે પાકિસ્તાન સિવાય અન્ય કશું જ નથી. તેઓ દરેકને પાકિસ્તાન મોકલવાની વાત કરતા રહે છે. તેમને પશુપાલન મંત્રી નહીં પરંતુ વિઝા મંત્રી બનાવવા જોઇતા હતા. આ સાથે જ તેમને લાહોરમાં એક ટ્રાવેલ એજન્સી ખોલી લેવી જોઇતી હતી.