(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) કબજે કરવામાં સક્રિય ભૂમિકા ભજવવા અને અંકૂશ રેખા (એલઓસી) પાર કરવાનો બિહારમાં વિપક્ષના નેતાઓ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે. ગિરિરાજસિંહે આજે સવારે ટિ્‌વટ કર્યું હતું અને ટિ્‌વટમાં જાહેરાત કરી છે કે ‘જય કાશ્મીર, જય ભારત. અબ કી બાર ઉસ પાર’. ભાજપના સાંસદના આ ટિ્‌વટ બાદ કોંગ્રેસના પ્રવક્તા પ્રેમચંદ મિશ્રા અને રાજદના નેતા વિજય પ્રકાશ યાદવ દ્વારા ગિરિરાજસિંહને અંકુશ રેખા પાર કરવા અને પીઓકે કબજે કરવામાં સક્રિય ભૂમિકા ભજવવાનો પડકાર ફેંકવામાં આવ્યો છે. એક અહેવાલમાં પ્રેમચંદ મિશ્રાને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે તમને સરહદ પાર જવા માટે કોણે રોક્યો છે ? લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ દિવસોમાં ગિરિરાજસિંહ પીઓકે અંગે નિવેદનો કરી રહ્યા છે. જો તમારામાં હિંમત છે તો તેમને અને કેન્દ્ર સરકારને કોણ રોકી રહ્યો છે ? અંકૂશ રેખા પાર કરવા અને પીઓકે કબજે કરવાનો નિર્ણય લેવા માટે કોણ રોકી રહ્યો છે ? રાજદના ધારાસભ્ય વિજય પ્રકાશ યાદવે એવો પણ પ્રશ્ન કર્યો કે ગિરિરાજસિંહ શા માટે માત્ર પીઓકે વિશે જ બોલે છે અને ચીન અંગે કેમ ચુપ રહે છે ? આ ધ્રૂવીકરણના તેમના રાજકારણનો એક ભાગ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ન્યૂઝમાં ચમકવાના પ્રયાસમાં જ તેઓ આવી ટિપ્પણીઓ કરે છે.