(એજન્સી) પટણા, તા. ૨૩
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા પ્રાર્થના કરવાની દિલ્હીના ચર્ચોને હાકલ કરતો પત્ર પાઠવવા બદલ દિલ્હીના આર્કબિશપ અનિલ કાઉટોની કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. ગિરિરાજસિંહે જણાવ્યું કે આર્કબિશપ તરફથી દિલ્હીના ચર્ચોને આવો પત્ર પાઠવવાનો ઉદ્દેશ દેશમાં આંતરવિગ્રહ શરૂ કરવાનો છે. ચર્ચ દ્વારા દેશમાં આંતરવિગ્રહની સ્થિતિ સર્જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં સામાજિક અને કોમી એખલાસ ડહોળાય એવા કોઇ પણ પગલા હું ભરીશ નહીં પરંતુ ૨૦૧૯ની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તામાં ના આવે, તેની ખાતરી કરવા માટે ચર્ચો દ્વારા આવી અપીલ કરાશે તો અન્ય (હિન્દુ) સમુદાયના લોકો મોદીને ટેકો આપવા માટે પૂજા અને કીર્તન કરવાનું શરૂ કરશે. નોંધનીય છે કે દિલ્હીના આર્કબિશપે તેમના પત્ર દ્વારા એવો દાવો કર્યો છે કે દેશમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ બરાબર નથી અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા ખતરામાં છે. ગિરિરાજસિંહે જણાવ્યું કે દેશના ટુકડા કરવાના સામૂહિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે આગામી વર્ષે સામાન્ય ચૂંંટણીઓ યોજાયા બાદ નવી સરકાર સત્તા સંભાળે એવું ઇચ્છનારાઓના ષડયંત્રમાં ચર્ચ પણ સામેલ છે. તેમણે હિન્દુ સમુદાયને પરિસ્થિતિ અંગે ચિંતન કરવા અને પુરતા પગલાં ભરવાની અપીલ કરી છે.