જૂનાગઢ, તા.ર૬
જૂનાગઢના વિકાસના દ્વાર ખોલી નાંખનાર આર્થિક જીવાદોરી સમાન ગિરનાર રોપ-વેની કામગીરી વેગવંતી બની છે. ભલે ૯ નવેમ્બરે રોપ-વે ચાલુ થવાની જાહેરાત મુજબ ન થયું પરંતુ રોપ-વે વ્હેલી તકે કાર્યરત કરવા માંગ ઉઠી છે. હાલમાં ગિરનાર રોપ-વે માટેની જરૂરી સાધન સામગ્રી આવી હતી અને હવે રોપ-વેમાં બેસી શકાય તે માટેની ટ્રોલી પણ આવી ગઈ છે.
રોપ-વેના થાંભલા માટે સિમેન્ટ કોંક્રિટના કામો ચાલી રહ્યા છે. જે ગતિથી કામગીરી થઈ રહી છે તે જોતા એમ લાગી રહ્યું છે કે હવે એ દિવસો દૂર નથી જ્યારે ગિરનાર રોપ-વે યોજના કાર્યરત થાય. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના સત્વરે કાર્યરત કરવા માટે જરૂરી સલાહ સૂચન આ કામગીરી કરતી કંપનીને આપવામાં આવે છે. તથા ગિરનાર વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી છે તેની ટીમ પણ સતત ગિરનાર રોપ-વેની કામગીરી ઉપર દેખરેખ રાખી રહી છે. પરિણામે, આ કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે. આખરે વર્ષો બાદ ગિરનાર રોપ-વેની યોજનાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે તે તમામ જૂનાગઢવાસીઓ માટે આનંદની વાત છે. આ યોજના જૂનાગઢના વિકાસ માટેના સુવર્ણદ્વાર ખોલી નાંખનારી સાબિત થશે.
ગિરનારના જંગલમાં સિંહ દર્શન પર વ્હેલી તકે શરૂ થાય એવી પણ માગણી ઉઠી છે. જો કે આ માટેની પણ પ્રાથમિક તૈયારી આટોપી લેવાઈ છે. ટૂંકમાં આ બે યોજનાના કારણે જૂનાગઢનો વિકાસ ગતિ પકડશે.