અમદાવાદ,તા. ૬
રાજય સરકારની મોટાભાગની જાહેર મિલકતો અને ચેકપોસ્ટો વગેરેનું રક્ષણ કરતાં અને મહત્વની ફરજો બજાવતાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સના હજારો કર્મચારીઓ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરનાર છે. વર્ગ-૩નો દરજ્જો આપી સરકારી ધારાધોરણ મુજબનું પગારધોરણ આપવા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇ જીઆઇએસએફના હજારો કર્મચારીઓ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે. આવતીકાલે જીઆઇએસએફના કર્મચારીઓ દ્વારા તેમની માંગણીઓને લઇ શહેરમાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જીઆઇએસએફના પ્રતિનિધમંડળ દ્વારા બાદમાં અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. એટલું જ નહી, જીઆઇએસએફના કર્મચારીઓ કલેકટર કચેરી, સુભાષબ્રીજ ખાતે અવિરત આંદોલન અને ધરણાં ચાલુ રાખવામાં આવશે. જીઆઇએસએફ સોસાયટી એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ અમરીષ પટેલ અને જનરલ સેક્રેટરી રમેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, ખુદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સ સોસાયટીની સ્થાપના ૧૯૯૭માં કરવામાં આવી હતી. જીઆઇએસએફના સીકયુરીટી જવાનોને પોલીસ ફોર્સ અને એસઆરપી ફોર્સ દ્વારા ટ્રેનીંગ આપી તૈયાર કરાયા છે અને તેઓ રાજય સરકારની મોટાભાગની જાહેર મિલકતો અને ચેકપોસ્ટો વગેરેનું રક્ષણ કરવા સહિતની મહત્વની ફરજો બજાવી રહ્યા છે પરંતુ જીઆઇએસએફના જવાનોને હજુ સુધી સરકારી કર્મચારીઓની સમકક્ષ વર્ગ-૩નો દરજ્જો અપાયો નથી કે, તેઓને સરકારી ધારાધોરણ પ્રમાણેનું વેતન ચૂકવાતું નથી, માત્ર લઘુત્તમ વેતન જ ચૂકવાય છે. જીઆઇએસએફ સોસાયટી એમ્પ્લોઇઝ યુનિયન તરફથી જીઆઇએસએફના જવાનોને વર્ગ-૩નો દરજ્જો આપવા, સરકારી પગાર ચૂકવવા, તેમના યુનિફોર્મની નીતિ ઘડવા, તેઓને સીકયુરીટી ગાર્ડમાંથી સીકયુરીટી સબ ઇન્સ્પેકટર તરીકે સિનિયોરિટીના આધારે બઢતી આપવામાં આવે, ગુજરાત સરકાર દ્વારા જયાં સુધી પાંચમા, છઠ્ઠા અને સાતમા પગાર પંચ મુજબ વેતન અંગે નિર્ણય ના કરાય તે દરમ્યાન કેન્દ્ર દ્વારા આર્મ અને અનાર્મ માટે જે લઘુત્તમ વેતન જાહેર કરાયું છે તે મુજબનું વેતન તા.૧-૧-૨૦૧૭થી ચૂકવવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે. આ માંગણીઓ પરત્વે રાજય સરકાર સમક્ષ વારંવારની રજૂઆતો છતાં કોઇ નિર્ણય નહી લેવાતાં આખરે જીઆઇએસએફના હજારો કર્મચારીઓ-જવાનો આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આવતીકાલે સવારે ૧૦-૦૦ વાગ્યે જીઆઇએસએફના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સુભાષબ્રીજ ખાતે એકત્ર થઇ વિશાળ રેલી યોજશે અને મેઘાણીનગર પહોંચશે, જયાં ધરણાં-દેખાવો યોજશે અને બાદમાં અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અવિરત આંદોલન ચાલુ કરશે.
GISFના હજારો કર્મચારી આજથી હડતાળ પર ઊતરશે

Recent Comments