(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
ર૦૦રના ચકચારી નરોડા ગામ કોમી રમખાણ કેસના આરોપી ભાજપના માયાબેન કોડનાનીનાં બચાવમાં આજે બચાવ પક્ષના સાક્ષી તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. તેમણે નરોડા ગામના બનાવ સમયે માયાબેન વિધાનસભામાં હાજર હોવાની જુબાની આપી હતી. ૪૦ મિનિટ સુધી કોર્ટમાં હાજર રહી અમિત શાહે જજ અને વકીલોના સવાલોના જવાબો આપ્યા હતા. જે પૈકીના સવાલ જવાબો અત્રે પ્રસ્તુત છે.
અમિત શાહ-ઈશ્વરને સાથે રાખી જે કહીશ તે સત્ય કહીશ.
સવારે મારા ઘરે હતો, સવારે સાડા આઠ વાગ્યે મારી કારમાં વિધાનસભા ગયો, આ સમયે તમામ સભ્યો એસેમ્બલીમાં હાજર હતા. કોઈ નિર્ધારિત કાર્યવાહી ન હતી. ટ્રેન હત્યાકાંડમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપવાની હતી.
બચાવ પક્ષનો સવાલ-૨૮ ફેબ્રુઆરીના રોજ ક્યાં હતાં, એસેમ્બલીની કાર્યવાહી બાદ ક્યાં ગયા ?
અમિત શાહ-મારા પર અનેક ફોન કોલ્સ હતા એટલે એસેમ્બલીથી સોલા સિવિલ ગયો, સવારે સાડા નવથી પોણા દસે હું સોલા સિવિલ પહોંચ્યો અને મૃતકોના દેહ અને પરિવારજનો આવેલા.
સવાલ- સોલા સિવિલ હોસ્પિટલ બાદ ક્યાં ગયા?
અમિત શાહ-પીએમ થતું હતું ત્યાં ગયો.. ડેડ બોડીની ઓળખ થતી હતી…કાર્યકર્તાને મળ્યો…
સવાલ-પીએમ મીન્સ
અમિત શાહ : પોસ્ટમોર્ટમ
સવાલ- માયાબેનને કેટલો સમય જોયા?…કોઈ જાણીતી વ્યક્તિ હાજર હતી?… એસેમ્બલીમાં હાજર હતા તે હાજર હતા ?
અમિત શાહ- માયાબેન ત્યાં મળેલા પણ લોકોમાં ખૂબ આક્રોશ હતો…
સવાલ- ટોળું આક્રોશિત હતું ?
અમિત શાહ- બહાર ટોળું હતું એટલે પોલીસે મને કોર્ડન કરીને લઈ ગઈ હતી, માયાબેનને પણ પોલીસ કોર્ડન કરીને લઈ ગઈ અને એક જીપમાં લઈ ગઈ…
સ્પેશિયલ પ્રોસિક્યુટરનો સવાલ તમામને જવાની લિફ્ટ અલગ છે ?
અમિત શાહ- હા
સવાલ- એસેમ્બલી પાર્કિંગ એક જ છે ?
અમિત શાહ- મને ગાડી ચલાવતા નથી આવડતું… તેથી ત્યાં નથી ગયો
સવાલ- ૨૭ ફ્રેબુઆરી ગૃહની બેઠક મળી ?
અમિત શાહ- બેઠકમાં જાહેરાત થઈ તોફાન થયા છે
સવાલ- વીએચપીએ બંધનું એલાન આપ્યું હતું ?
અમિત શાહ- હા, આપેલું
સવાલ- ૨૭ ફેબ્રુઆરીની ઘટના બાદ ૨૮ ફેબ્રુઆરીએ તોફાન થયા ?
અમિત શાહ- હા
સવાલ- સોલામાં ડેડ બોડી ૨૮ ફેબ્રુઆરીના આવ્યા ?
અમિત શાહ- હા
સવાલ- ૨૮ ફેબ્રુઆરી ગૃહ ચાલ્યુ કેટલું ?
અમિત શાહ- ૧૫થી ૨૦ મિનિટ
સવાલ- સોલાથી ક્યાં ગયા ?
અમિત શાહ- યાદ નથી પણ કારમાં ગોતા ચોકડી ઉતર્યો… માયાબેન પણ પોલીસ જીપમાં હતા… માયાબેન ક્યાં ગયા તેની ખબર નથી…સોલા સિવિલથી ઘરે ગયો..
સવાલ- એસઆઈટીએ તમને નોટીસ આપી હતી કે જે કહેવું હોય તે જણાવો ?
અમિત શાહ- હા, નોટિસ હતી
સવાલ- નરોડા ગામ ગયા છો ?
અમિત શાહ- નરોડા ગામમાં ગયો નથી પણ નરોડામાંથી અનેકવાર નીકળ્યો. એસેમ્બલીથી નરોડાનું અંતર ખબર નથી
સવાલ – સુપ્રીમ કોર્ટે એસઆઈટી બનાવી ?
અમિત શાહ- હા
સવાલ- નરોડા ગામ અને પાટીયા કેસમાં માયાની એરેસ્ટ અંગે ખબર હતી ?
અમિત શાહ- હા, જાણ હતી
સવાલ- એસઆઈટી સમક્ષ રજૂઆત કે એફિડેવિટ કરી નથી ?
અમિત શાહ- હા, ક્યારેય નથી કરી
સવાલ- નરોડા પાટિયામાં હાજર થયા છો ?
અમિત શાહ- ના, મને ક્યારેય સમન્સ નથી મળ્યો.. એસઆઈટીએ ક્યારેય તસ્દી નથી લીધી કે હું માયાબેન સાથે હતો કે નહીં..
સવાલ- નરોડા પાટિયામાં માયાબેનને સજા પડી છે… તેની ખબર છે ?
અમિત શાહ- હા
સવાલ- માયાબેન તમારી સાથે સોલા સિવિલમાં હતા તે માનો છો ?
અમિત શાહ-હા
સવાલ- માયા અને તમે એક જ પક્ષના હતા તેથી જુબાની આપી બચાવવા માંગો છો ?
અમિત શાહ- ના, સાચુ નથી.
અમિત શાહની મુલાકાતને લઇ કોર્ટપ્રાંગણ સુરક્ષા છાવણીમાં ફેરવાયું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે માયાબહેન કોડનાની તરફે બચાવપક્ષના સાહેદ તરીકે જુબાની માટે આવ્યા હોઇ જૂની હાઇકોર્ટ ખાતે સ્થિત નરોડા ગામની સ્પેશ્યલ કોર્ટ સહિત સમગ્ર કોર્ટ પ્રાંગણ જાણે સુરક્ષા છાવણીમાં ફેરવાઇ ગયું હતું. અમિત શાહ સવારે ૧૧.૦૦ વાગ્યે કોર્ટ પ્રાંગણમાં ગાડીમાં આવ્યા ત્યારે તેમની ગાડીની પાછળ સુરક્ષા કારો અને પોલીસ જીપનો મોટા કાફલો ખડકાયેલો હતો. તો બીજીબાજુ, સમગ્ર કોર્ટ પ્રાંગણ અને કોર્ટરૂમમાં પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી હતી. કેટલાક સુરક્ષા જવાનો સાદા ડ્રેસમાં સજ્જ હતા અને સશસ્ત્ર જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરાયા હતા. અમિત શાહને મુલાકાતને લઇ તમામ સુરક્ષા જવાનોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા હતા. ૧૨.૦૦ વાગતાં અમિત શાહની જુબાની પૂર્ણ થતાં તેઓ રવાના થયા હતા, ત્યારબાદ કોર્ટ પ્રાંગણમાંથી સુરક્ષા વ્યવસ્થા પણ રૂટીન કરી દેવાઇ હતી.
અમિત શાહની જુબાનીને લઇ કોર્ટપ્રાંગણમાં જોરદાર ચર્ચા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આજે નરોડા ગામ કેસમાં હાથ ધરાયેલી જુબાની અને ઉલટતપાસનો મુદ્દો આજે જૂની હાઇકોર્ટ ખાતે સ્થિત સીટી સેશન્સ કોર્ટ પ્રાંગણમાં વકીલો-પક્ષકારો, કોર્ટ કર્મચારીઓ સહિત સૌકોઇમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો હતો. વકીલો-પક્ષકારો, કોર્ટ કર્મચારીઓ સહિત સૌકોઇ અમિત શાહને જોવા ઉમટયા હતા. કેટલાક વકીલો અને પક્ષકારો તો સીકયોરીટી જવાનો વચ્ચે ઘેરાયેલા અમિત શાહની તસવીરો પોતાના મોબાઇલમાં કંડારતા જોવા મળ્યા હતા. અમિત શાહની હાજરીને લઇ કોર્ટ પ્રાંગણમાં ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ છવાયો હતો.

 

માયાબહેનની સજા અંગેના પ્રશ્ને બચાવપક્ષે તરત વાંધો લીધો
પ્રોસીકયુશન પક્ષ તરફથી માયાબહેન કોડનાનીને નરોડા પાટિયા કેસમાં સજા ફરમાવાયા મુદ્દે અમિત શાહને પૂછાયેલા પ્રશ્ન વખતે બચાવપક્ષના વકીલોએ તરત વાંધો લીધો હતો. પ્રોસીકયુશનના પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું કે, હું જાણું છું કે, નરોડા ગામ અને નરોડા પાટિયા કેસ બંનેમાં માયાબહેન કોડનાનીની ધરપકડ થઇ હતી. એ વાત ખરી છે અને હું જાણું છું કે, માયાબહેન કોડનાનીને નરોડા પાટિયા કેસમાં ગુનેગાર જાહેર કરી કોર્ટે સજા ફરમાવી છે. આ તબક્કે આરોપીઓના વકીલોએ વાંધો લેતાં જણાવ્યું હતું કે, સજાના આ ચુકાદા સામે માયાબહેનની ઉપરની અદાલતમાં અપીલ પેન્ડીંગ છે, તેની નોંધ પણ લેવી જોઇએ, જેથી કોર્ટે કહ્યું, નોંધ લેવામાં આવે છે.