(એજન્સી) તા.૯
ઇજિપ્તની સ્થાનિક ન્યૂઝ એજન્સી મેનાને શનિવારે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ માહિતી આપી હતી કે સુરક્ષા દળોએ ગિઝા ખાતે સામ-સામે ગોળીબાર દરમિયાન બે યુવકોને ઠાર માર્યા હતા. સુરક્ષાદળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક યુવક એપાર્ટમેન્ટમાં ઊભો હતો જે એક ભાગેડું આતંકવાદી હતો. તેણે સુરક્ષાદળો પર ઓપન ફાયરિંગ કરતાં જ અધિકારીઓએ તેને તાબા હેઠળ લઇ લીધો હતો. જોકે સમાચાર એજન્સીએ આ ઘટના કયા સ્થળે બની તે અંગે કોઇ માહિતી આપી નથી. ઇજિપ્તના સ્ટેટ સમાચારપત્ર અલ હરામના જણાવ્યા પ્રમાણે આ બે યુવકો તાજેતરમાં જ હસમ નામના આતંકવાદી સંગઠનમાં સામેલ થઇ ગયા હતા. આ બંને યુવકોએ કાયરોથી પૂર્વ તરફ આવેલા કલુબિયા પ્રાંતમાં જ્યારે એક હોમલેન્ડ સિક્યોરિટી ઓફિસર શુક્રવારની નમાઝ અદા કરવા જઇ રહ્યા હતા ત્યારે તેમનો પીછો કરી તેમના ઘરની બહાર જ તેમની હત્યા કરી નાખી હતી. આ હત્યાની આ બંને યુવકોએ જવાબદારી પણ સ્વીકારી હતી. તમને જણાવી દઇએ કે ગત વર્ષથી હસમ આતંકી સંગઠન દ્વારા કૈરોમાં અનેક આતંકી હુમલા કરવામાં આવ્યા છે તેમ ન્યાયાધીશ અને પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ આતંકી સંગઠને અનેક હુમલાઓની જવાબદારી પણ સ્વીકારી છે. ઇજિપ્ત આઈએસઆઈએસને કારણે ઇસ્લામિક વિદ્રોહનો સામનો કરી રહ્યો છે. આઇએસના આતંકીઓ સિનાઇ પેનિનસુલા ખાતે કબજો જમાવી બેઠા છે. ર૦૧૩ દરમિયાનથી અહીં સેંકડો સૈનિકો અને પોલીસકર્મીઓની હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારના રોજ પણ ઉત્તર શિનાઇ ખાતેના બે સૈન્ય ચેકપોઇન્ટ ખાતે એક કાર બોમ્બ વિસ્ફોટ દ્વારા હુમલો કરાયો હતો જેમાં લગભગ રર ઇજિપ્તના સૈનિકોનાં મોત થયા હતા. આ હુમલાની જવાબદારી પણ આઇએસના આતંકીઓ સ્વીકારી હતી. આઇએસ દ્વારા અહીં મોટાપ્રમાણમાં ખ્રિસ્તી સમુદાયના લોકોને નિશાન બનાવાઇ રહ્યાં છે. જેમાં ડિસેમ્બરથી અત્યાર સુધી ૧૦૦થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરી દેવામાં આવી છે. હસમ નામના આતંકવાદી સંગઠને પણ હાહાકાર મચાવ્યો છે તેને સરકાર કહે છે કે આ સંગઠન મુસ્લિમ બ્રધરહૂડ સાથે સંકળાયેલ છે જે કૈરો સહિત અન્ય શહેરોમાં સક્રિય છે.