સિડની,તા.૨૬
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ૧૦ વિકેટે હાર્યા છતાં ભારતીય બોલિંગ એટેક વર્લ્ડ ક્લાસ છે. ઇજામાંથી કમબેક કરતા ઇશાંત શર્માએ ૫ વિકેટ લીધી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી મેચમાં ૧-૧ વિકેટ જ લઇ શક્યા હતા. મેચ પછી વિરાટ કોહલીએ કહ્યું હતું કે, કિવિઝની અંતિમ ૩ વિકેટે ૧૨૦ રનની ભાગીદારી કરતા તેઓ ૩૪૬ રન કરી શક્યા હતા, અમે ત્યાં મેચ ગુમાવી હતી.ભારતીય બોલર્સ વિશે પોતાનો મત આપતા મેકગ્રાએ કહ્યું કે, મને તેમની બોલિંગ લાઈનઅપ પર ભરોસો છે. તેમણે તાજેતરમાં ઘણી ઇજાઓનો સામનો કર્યો છે. શર્માએ હમણાં જ વાપસી કરી, જ્યારે બુમરાહ પણ બે સીરિઝ પહેલા જ ટીમમાં પરત ફર્યો હતો. તેવું થવું રમતનો ભાગ છે. ભારતીય બોલર્સ વર્લ્ડ ક્લાસ છે અને તેમાં કોઈ શંકા નથી.
મેકગ્રાએ વધુ ઉમેરતા કહ્યું કે, મને આ લાઈનઅપ સાથે કોઈ પ્રોબ્લમ નથી. તમે રાતોરાત ફોર્મ ગુમાવતા નથી. પહેલી ટેસ્ટમાં ટોસનું ઘણું મહત્ત્વ હતું અને તેની મેચના રિઝલ્ટ પર સીધી અસર થઇ હતી.