અમદાવાદ,તા.૮
ગોધરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા મનમાની કરી વધુ ફી ઉઘરાવવા મામલે સોમવારના રોજ ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) સમક્ષ સુનાવણી થઈ હતી. જેમાં વાલીઓની જીત થઈ હતી અને એફઆરસીમાં નિયમો પ્રમાણે ફી લેવા આદેશ આપ્યો હતો. તથા બાળકોને શાળામાં એડમીશન આપવા જણાવ્યું હતું. જો સ્કૂલ તે મુજબ ફી નહીં સ્વીકારે તો તેમનીસામે પગલાં લેવામાં આવશે. આ અંગેની વિગતો જોઈએ તો થોડા દિવસ પહેલાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની ફીને લઈ મનમાની અને દાદાગીરી સામે આવી હતી. શાળાના સંચાલકો દ્વારા વધુ ફી ભરવા વાલીઓને દબાણ કરવામાં આવતું હતું. તથા ફી ન ભરતા બાળકોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા જે મુદ્દે વાલીઓમાં રોષ ભભુકયો હતો. વાલીઓએ આ અંગેની એફઆરસીમાં રજુઆત કરી હતી. જે બાદ એફઆરસીએ ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલનો ઉધડો લઈ બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા અને એફઆરસીએ નક્કી કરેલી ફી લેવા જણાવ્યું હતું. જો સ્કૂલ શાળા તે પ્રમાણે નહી સ્વીકારે તો તેમની સામે પગલાં લેવામાં આવી શકે છે. વધુમાં એફઆરસીએ જણાવ્યું હતું કે ૧૮ મહિના સુધી એફઆરસીમાં ગયા વગર શાળા ફી માંગે તે ખૂબ જ ગંભીર બાબત છે.ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલના વાલીઓએ તેમના બાળકોના સસ્પેન્સનને રદ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની ૧ર એપ્રિલના રોજ સુનાવણી થવાની છે. એફઆરસીએ ૧ર એપ્રિલ સુધી સ્કૂલને બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપી તેઓને અભ્યાસ કરાવવા જણાવ્યું છે. વાલીઓએ જણાવ્યું હતું કે અમે એફઆરસી ફી ભરવા તૈયાર છીએ અને આવતીકાલથી અમે બાળકોને સ્કૂલે મોકલીશું. વળી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના વાલીઓએ પણ આજે એફઆરસી સમક્ષ વધુ ફી મામલે રજૂઆત કરી હતી. એફઆરસીએ ૯૪૦૦૦ ફી નક્કી કરવામાં આવી છે. જયારે સ્કૂલ દ્વારા ૧.૬૦ લાખ ફી માંગવામાં આવી રહી છે. જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો.