જામનગર, તા.૧૧
જામનગરમાં પાસ સાથે સંકળાયેલા એક વ્યક્તિને ફેસબુકના માધ્યમથી જામનગર તથા ધ્રોલના બે શખસોએ વીડિયો કોલીંગ કરી બે કલાક દરમ્યાન અવારનવાર પાટીદારોને અનામત આપવાની માગણી સાથે આંદોલન ચલાવી રહેલા વ્યક્તિઓને છરી મારી દેવી જોઈએ તેવા શબ્દો ઉચ્ચારી બિભત્સ ગાળો ભાંડતા અને પાટીદારોમાં જ વિખવાદ થાય કે ધિક્કાર જન્મે તેવા શબ્દોનો ઉચ્ચાર કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નરભેરામભાઈ અમરશીભાઈ મોરડિયા નામના પટેલ પ્રૌઢના મોબાઈલમાં ફેસબુક સોશ્યલ મીડિયાના એકાઉન્ટમાં રવિવારે જીતુ નિલેશભાઈ હરસોંડા તથા રેનીશ પટેલ નામના બે શખ્સોના મોબાઈલમાંથી કરવામાં આવેલું લાઈવ વીડિયો કોલીંગ જોવા મળ્યું હતું.
નગરના લાલપુર બાયપાસ નજીકની આસોપાલવ સોસાયટીમાં વસવાટ કરતા જીતુ હરસોંડા તથા ધ્રોલના ત્રિકોણ બાગ પાસે રહેતા રેનીશ પટેલ નામના બે વ્યક્તિઓએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં ઓનલાઈન લાઈવ વીડિયો કોલીંગ કરી હાલમાં પાટીદારો માટે અનામતની માગણી સાથે ઉપવાસ પર ઉતરેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તેમજ કડવા પાટીદાર સમાજના ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓને ઉલ્લેખીને બીભત્સ ગાળો ભાંડી હતી.
આ ઉપરાંત જામનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર તરીકે રહેલા વસંતભાઈ નારણભાઈ કાનાણી તેમજ પાસની ટીમના અન્ય સદસ્યોને પણ ગાળો ભાંડી જીતુ તથા રેનીશએ છરીના ઘા ઝીંકી દેવા જોઈએ તેમ બોલી અંદાજે બે કલાકના સમયગાળા દરમ્યાન અવારનવાર ઓનલાઈન વીડિયો કોલીંગ કર્યું હતું.
પાટીદારોમાં લેઉવા તથા કડવા પાટીદારો વચ્ચે મતભેદ ઉભો થાય અને અંદરોઅંદર દુશ્મનાવટ અથવા ધિક્કારની લાગણી ઉદ્ભવે તેવા ઈરાદાથી ઉપરોક્ત બન્ને શખ્સોએ આ પ્રકારનું કૃત્ય કરતા નરભેરામભાઈ મોરડિયાએ ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.