(એજન્સી) પણજી, તા.ર૫
નાગરિકત્વ (સુધારો) અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે, તેની ગોવા રાજ્યમાં “જરૂરી નથી.”
રવિવારે ઉત્તર ગોવા જિલ્લામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પત્રકારો સાથે વાત કરતા સાવંતે ગોવાના લોકોને સીએએથી ન ડરવાનું કહ્યું હતું.
જો પોર્ટુગિઝ પાસપોર્ટ ધરાવનારાઓ તેમની હાલની નાગરિકતાને ભારતીય નાગરિકત્વમાં “કન્વર્ટ” કરવા માંગતા હોય, તો તે માટેની હાલની કાર્યવાહી છે, એમ સાવંતે જણાવ્યું હતું.
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, ગોવામાં એનઆરસી લાગુ કરવામાં આવશે કે નહીં, ત્યારે મુખ્ય પ્રધાને કહ્યું કે, તે “જરાય જરૂરી નથી.”
રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરના મુદ્દા પર બોલતા ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ ગેઝેટ વાંચ્યા પછી જ આ મુદ્દે નિવેદન આપશે. તેમણે કહ્યું કે, હું કોઈ નિવેદન આપી રહ્યો નથી. હું નવી સૂચના વાંચીશ અને ત્યારબાદ હું નિવેદન આપીશ.
પોર્ટુગિઝ નાગરિકત્વ મેળવવાનો લહાવો પાછળથી પોર્ટુગિઝ શાસિત ગોવામાં રહેતા ગોવનોને તેમજ પછીની ત્રણ પેઢી સુધીના તેમના વંશજોને આપવામાં આવ્યો.
યુરોપિયન યુનિયનના નેજા હેઠળના દેશોમાં સરળ પ્રવેશને આભારી, હજારો ગોવનો એ પોર્ટુગલ અને ત્યારબાદ યુકે સ્થળાંતર કરવાની તકનો ઉપયોગ કર્યો છે. નોંધપાત્ર સંખ્યામાં ગોવનોએ પોર્ટુગિઝ રાષ્ટ્રીય ઓળખ કાર્ડ ‘બિલ્હેટ દ આઈડેન્ટિડેડ’નો પણ લાભ લીધો છે, જે અરજદારને પોર્ટુગિઝ પાસપોર્ટ મેળવવા માટે નજીક લઈ જાય છે. રફ અંદાજ સૂચવે છે કે, પોર્ટુગિઝ નાગરિકત્વ માર્ગનો ઉપયોગ કરીને ૩૦,૦૦૦ જેટલા ગોવનો યુનાઇટેડ કિંગડમમાં રહે છે.