(એજન્સી) તા.૮
ગોવામાં હિજાબ પહેરેલી યુવતીને નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ (નેટ)ની પરીક્ષા ન આપવા દેવાના મુદ્દે રાજ્યના સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ પરીક્ષામાં ડ્રેસ કોડ અંગે કોઈ ચોક્કસ નિયમો નથી. ઉલ્લેખનીય છે કે, ગયા મહિનામાં ર૪ વર્ષીય સફિના ખાન સૌદાગરે કહ્યું હતું કે, પણજી ખાતેના નેટ પરીક્ષા કેન્દ્રના સુપરવાઈઝરે પરીક્ષા આપવા માટે તેને હિજાબ દૂર કરવા કહ્યું હતું અને જ્યારે તેણે હિજાબ ઉતારવાની ના પાડી તો તેને પરીક્ષામાં બેસવા દેવામાં ન આવી. આ ઘટના સંદર્ભે ગોવાના ઉચ્ચશિક્ષણ વિભાગના ડાયરેક્ટર પ્રસાદ લોલિએન્કરે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય હસ્તક રહેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, મહિલાને પરીક્ષામાં બેસવા દેવાની પરવાનગી આપવી જોઈતી હતી. પ્રાથમિક દૃષ્ટિએ આ સ્પષ્ટ છે કે, સંબંધિત વેબસાઈટ અથવા બીજી કોઈ જગ્યાએ હિજાબ વિશે કોઈ ચોક્કસ નિયમોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. લોલિએન્કરે ૧ જાન્યુઆરીના દિવસે લખેલા પત્રમાં કહ્યું હતું કે, જો કોઈ કારણસર હિજાબ પહેરવાની પરવાનગી ન હોય તો પરીક્ષા અંગેની સૂચનાઓમાં તેનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ હોવો જોઈએ. તેમણે આ પણ કહ્યું હતું કે, પરીક્ષક અને સુપરવાઈઝરે ઉમેદવારોની અંગત સ્વતંત્રતા અને ધાર્મિક ભાવનાઓ પ્રત્યે સંવેદશનીલ બનવું જોઈએ.