(એજન્સી) પણજી, તા.૨૯
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે અચાનક ગોવા વિધાનસભાની મુલાકાત લીધી હતી જ્યાં ત્રણ દિવસીય બજેટ સેશનનો પ્રથમ દિવસ હતો. બપોર બાદ રાહુલ ગાંધી વિધાનસભામાં પહોંચી ગયા હતા અને વિપક્ષની લોબીમાં બેસી ગયા હતા. તેઓ અહીં કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યા હતા. રાહુલ ગાંધી આ ઉપરાંત મુખ્યમંત્રી કચેરીમાં બીમાર મનોહર પાર્રિકરની પણ મુલાકાત લીધી હતી. આ બેઠક પાંચ મિનિટ કરતા વધુ ચાલી ન હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુદ્દે પૂર્વ સંરક્ષણ પ્રધાનને લાભ કરાવતા રાફેલ ફાઇટર જેટના સ્ફોટક રહસ્યો મુકી રાખવાની ઓડિયો ટેપ મુદ્દે રાહુલ ગાંધીએ દાવો કર્યો તેના કેટલાક દિવસો બાદ જ આ બેઠક થઇ છે. રાહુલ ગાંધી શનિવારથી પોતાની માતા સોનિયા ગાંધી સાથે ગોવાની મુલાકાતે છે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણે અને પત્રકાર વચ્ચેવાતચીતની ઓડિયા ટેપમાં રાણે પત્રકારને એવું કહેતા સંભળાય છે કે, પારિકરે કેબીનેટને કહ્યું છે કે, તેમના ઘરે રાફેલ સોદાની ફાઇલો છે. જોકે, મંત્રીએ આ દાવાને ફગાવ્યો હતો અને તેને કોંગ્રેસ દ્વારા ઉપજાવી કાઢ્યો હોવાનું જણાવ્યું હતું.