(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૪
પાસના કન્વીનર ગોપાલ ઈટાલિયા દ્વારા ગત નવેમ્બર માસમાં પીવીસી પાઈપમાં દારૂગોળો ભરી દેશી હથિયારથી ફાયર કરી તેમજ વાંધાજનક ટિપ્પણીઓ કરતો વીડિયો ફેસબુક પર અપલોડ કરી વાયરલ કરી સમાજમાં ભય અને દહેશતનું વાતાવરણ ફેલાવવાનો પ્રયાસ કરી ભાજપના કાર્યકરોને સીધી ધમકીઓ આપતો હોવા અંગે આણંદ જિલ્લા ભાજપના કાર્યકરે ગત રાત્રે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી સુરત ખાતેથી ગોપાલ ઈટાલિયાને ઝડપી પાડી તેને વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે લાવી તેની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર પાસના કન્વીનર ગોપાલ ઈટાલિયા દ્વારા ગત ૨૧મી નવેમ્બર ૨૦૧૮ના રોજ રાત્રીના સુમારે એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં ગોપાલ ઈટાલિયા પીવીસીની પાઈપ લાઈન અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરી દારૂગોળો ભરી ફોડી શકાય તેવા દેશી બનાવટના હથિયારનો ઉપયોગ કરી ફાયર કરતાં દૃશ્યમાન થાય છે. તેમજ ઈટાલિયાની બાજુમાં ઉભેલ અન્ય વ્યક્તિ જેનો ચહેરો વીડિયોમાં દેખાતો નથી. તેના હાથમાંથી દારૂગોળો ભરેલ આવું જ દેશી પ્રકારનું બીજું હથિયાર લઈ આ ભાજપના ભુંડ ભગાડવાની પિસ્તોલ છે. એટલે આ ભાજપના ભુંડો ક્યાંય સામા મળે તો એને ભડાકા કરવાનો છે. તેમ કહેતા નજરે પડે છે. વાણી વિલાસ કરી ગોપાલ ઈટાલિયા બીજી વાર દેશી પ્રકારના હથિયારથી હવામાં ફાયરીંગ કરી કહે છે કે, આના ભડાકા દિલ્લી સુધી સંભળાય તેમ કહી આ હથિયાર પોતાની બાજુમાં ઊભેલ વ્યક્તિને સોંપે છે અને તે વ્યક્તિના હાથમાંથી દારૂગોળો ભરેલ નવું દેશી પ્રકારનું હથિયાર હાથમાં લઈ હવામાં ફાયર કરે છે. આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના સક્રિય કાર્યકર કમલેશ દેવેન્દ્રભાઈ ડાભીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગોપાલ ઈટાલિયા દ્વારા અપલોડ કરેલો આ વીડિયો જોતાં વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ગોપાલ ઈટાલિયા તથા તેના અન્ય સાગરીત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આર્મ્સ એક્ટ ૨૫ (૧)(એ) અને ઈપીકો ૧૧૪ મુજબ ગત રાત્રે ૯ઃ૧૫ વાગે ગુનો નોંધી વલ્લભ વિદ્યાનગર પોલીસે આજે વહેલી સવારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની મદદથી સુરત ખાતેથી ગોપાલ ઈટાલિયાને ઝડપી પાડી તેને વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે લાવી આર્મ્સ એક્ટના ગુનામાં તેની ધરપકડ કરી હતી. તેમજ તેને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.