અમદાવાદ, તા.૯
ગુજરાત હાઈકોર્ટે ર૭મી ફેબ્રુઆરી ર૦૦રમાં ગોધરા ખાતે સાબરમતી એક્ષપ્રેસના કોચ એસ-૬માં આગ લગાડી પ૯ કારસેવકોની મૃત્યુની ઘટનાના ૧૧ દોષીઓને અપાયેલ મૃત્યુદંડની સજાને જન્મટીપમાં ફેરવવા આદેશ આપ્યો છે. ટ્રેન બાળવાની દુર્ઘટના પછી સમગ્ર ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા જેમાં અંદાજે ૧૦૦૦થી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આ ઘટનાથી ગુજરાતમાં સમગ્ર રાજકીય વાતાવરણ જ બદલાઈ ગયું હતું એ જ વાતારણનો દેશમાં અમલ થઈ રહ્યો છે. આ ઘટનાના ૧૩૦ આરોપીઓ હતા જેમાંથી ૯૪ વ્યક્તિઓ સામે કાવતરું ઘડવાના અને ખૂનના આક્ષેપો સાથે કેસ ચાલ્યો હતો. એમાંથી ૬૩ વ્યક્તિઓને સ્પેશિયલ કોર્ટે ર૦૧૧માં નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા આદેશ કર્યો હતો. સ્પેશિયલ કોર્ટે ૧૧ દોષીઓને ફાંસીની સજા અને ર૦ દોષીઓને જન્મટીપની સજા ફટકારી હતી. આ સજાઓને હાઈકોર્ટમાં પડકારાઈ હતી. હાઈકોર્ટે સુનાવણી કરી ચુકાદો અનામત રાખ્યો હતો. લગભગ અઢી વર્ષ પછી હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે ૬૩ નિર્દોષ છોડાયેલ વ્યક્તિઓના ચુકાદાને બદલવા ઈન્કાર કર્યો હતો અને પીડિતોના કુટુંબીજનોને ૧૦ લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે મોડેથી ચુકાદો આપવા બદલ દિલગીરી વ્યકત કરી હતી. પીડિતોના વકીલે કહ્યું કે તપાસમાં ઘણી ખામીઓ હતી એમાં કોઈ શું કરી શકે નહીં અમે અંશતઃ સંતુષ્ટ છીએ પણ અમે ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારીશું અને આ યોજનાબદ્ધ ષડયંત્ર હતું એ પુરવાર કરવા પ્રયાસ કરીશું.
ગોધરા ટ્રેનકાંડમાં હાઈકોર્ટના નિર્ણયને જમિયત
ઉલમા-એ-હિન્દે આંશિક આવકાર્યો
અમદાવાદ, તા.૯
ગુજરાત હાઈકોર્ટે ગોધરા ટ્રેન બર્નિંગ કેસનો જજમેન્ટ સંભળાવતા જે ૧૧ લોકોને નીચલી કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી તેને ગુજરાત હાઈકોર્ટે ઉમર કેદમાં તબદીલ કરી નાખી છે. તેના પ્રત્યે જમિયતુલ ઉલમા હિન્દ આંશિક સંતોષની લાગણી વ્યક્ત કરતા તેને આવકારે છે. જમિયતુલ ઉલમાએ હિન્દના રાષ્ટ્રીય મહામંત્રી મૌલાના સૈયદ મહેમૂદ અસઅદ મદની તેને આવકાર આપતા વધુમાં જણાવે છે કે જમિયત શરૂઆતથી જ માને છે કે સાબરમતી ટ્રેનના કોચ એસ.૬માં આકસ્મિક આગ લાગી હતી. જે બાબતે કોઈ ષડયંત્રના ભાગરૂપે આખો કેસ ઊભો કરવામાં આવ્યો હતો જેમાં મૌલાના હુસૈન ઉમરજીને માસ્ટર માઈન્ડ તરીકે ચિતરવામાં આવ્યા હતા જેમને કોર્ટ અગાઉ નિર્દોષ જાહેર કરી બાઈઝઝત બરી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અલ્લાહની રહમતે પહોંચી ગયા. જમિયત ઉલમા હિન્દના સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન કાસમીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે આ કેસ શરૂઆતમાં ટ્રાયલ કોર્ટમાં ૬૩ લોકો સામે હતો. જેમાં મૌલાના હુસેન ઉમરજી પહેલા જ નિર્દોષ સાબિત થયેલા બાકીના લોકો સામે ટ્રાયલ કોર્ટમાં ર૦ લોકોને ઉમરકેદ અને ૧૧ને ફાંસીની સજા સંભળાવી હતી જેની સામે જમિયત ઉલમા હિન્દે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેનો ફેસલો આજરોજ સંભળાવવામાં આવ્યો અને જે લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી તેને બદલે ઉમરકેદની સજા કરી તેને અમે આવકારી છીએ. આ કેસમાં સિનિયર એડવોકેટ એ.ડી.શાહ, એડવોકેટ ઈકબાલ સૈયદ, સોમનાથ વંસ અને એડવોકેટ અબ્દુર્રઝઝાક હસન વગેરેએ ખૂબ જ ખંત પુર્વક રજૂઆત કરી હતી. જમિયત ઉલમા ગુજરાતના મહામંત્રી પ્રોફેસર ડોક્ટર નિસાર અહેમદ અન્સારી શરૂઆતથી જ આ કેસ હેન્ડલ કરવામાં લાગેલા છે. પરિણામ પછી તેઓએ જમિયત ઉલમા હિન્દના મહામંત્રી મૌલાના સૈયદ મહેમૂદ અસઅદ મદની, તથા રાષ્ટ્રીય મંત્રી મૌલાના હકીમુદ્દીન કાસમી સાથે સતત સંપર્ક સાધી આ કેસની નકલ મળતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા નક્કી કર્યું છે અને જ્યાં સુધી નિર્દોષ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જમિયત ઉલમા આ કેસમાં સતત પ્રયત્નશીલ રહેશે. એમ એક યાદીમાં પ્રો.ડો.નિસાર અહેમદ અન્સારીએ જણાવ્યું છે.

 

કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં તત્કાલીન ગુજરાત (મોદી) સરકાર નિષ્ફળ રહી હતી : ગુજરાત હાઈકોર્ટ

 

(એજન્સી) ગાંધીનગર, તા.૯
ગુજરાત હાઈકોર્ટે ર૦૦રમાં થયેલા ગુજરાત હુલ્લડો પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જ્યાં ગોધરાકાંડના ૧૧ દોષીઓની ફાંસીની સજાને ઉંમર કેદમાં તબદીલ કરી દીધી છે, ત્યાં તત્કાલીન ગુજરાત સરકાર પર પણ કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું છે કે, તત્કાલીન ગુજરાત સરકાર હુલ્લડ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી. એટલું જ નહીં કોર્ટે એમ પણ કહ્યું કે, ગુજરાત સરકાર સાથે રેલવે પણ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. ર૭ ફેબ્રુઆરી ર૦૦રના દિવસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ ચાંપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં પ૯ લોકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે એસઆઈટીની વિશેષ અદાલતે ૩૧ આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. તેમાંથી ૧૧ દોષીઓને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે ર૦ને ઉંમર કેદની સજા આપવામાં આવી હતી. એસઆઈટી કોર્ટે આ મામલે ૬૩ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયની વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખડાવ્યા હતા, જે પછી આ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં પૂરી કરવામાં આવી અને સોમવારે ચુકાદો આપવામાં આવ્યો. ર૭ ફેબ્રુઆરીની સવારે સાબરમતી એક્સપ્રેસ ગોધરા રેલવે સ્ટેશન પાસે પહોંચી, તેના એક ડબ્બામાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉઠવા લાગ્યા હતા. જેનાથી ડબ્બામાં સવાર યાત્રીઓ તેની ચપેટમાં આવી ગયા. તેમાંથી મોટાભાગના કારસેવક હતા, જે રામમંદિર આંદોલન અંતર્ગત અયોધ્યામાં એક કાર્યક્રમમાંથી પરત આવી રહ્યા હતા. આગમાં પ૯ કારસેવકો ભડથું બની ગયા. આ ઘટના બાદ ગુજરાત હુલ્લડોની આગમાં ભડકે બળ્યું. ગુજરાત હુલ્લડોના ડાઘ ભાજપ પર લાગતા રહ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ ગુજરાત હુલ્લડો માટે હંમેશા નિંદા સહન કરવી પડી છે. ત્યાં સુધી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ તેમને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો ગુજરાત હુલ્લડો અંગે મોદી અને ભાજપને ઘેરતા રહ્યા છે. હાઈકોર્ટમાં પોતાના ચુકાદામાં ગોધરા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ૬ અઠવાડિયાની અંદર આ રકમ આપવાનો આદેશ આપ્યો છે.