(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૪
અરવલ્લીના મોડાસામાં આવેલ ટેકાના ભાવે અડદ ખરીદ કેન્દ્રમાં ખેડૂતોના ખરીદ કરેલ ૮ હજાર બોરી ગોડાઉનના અભાવે પડી રહેતા તંત્રની બેદરકારી સામે આવી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે અડદની ખરીદી કરવાનું ૧૦ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ૧૦ ડિસેમ્બરથી આજ દિન સુધી દોઢ મહિનો થવા આવ્યો છતાં ખેડૂતોના ટેકાના ભાવે ખરીદ કરેલા અડદની ૮૦૦૦થી વધુ બોરીઓ પડી રહી છે. સરકારી તંત્ર દ્વારા અડદ મોકલવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે અડદ એક એવું અનાજ છે કે, તેને અવેરવામાં ના આવે તો જીવાત પણ પડી શકવાની સંભાવના છે અને જ્યાં સુધી નાફેડ દ્વારા તેને વેરહાઉસમાં મૂકવામાં ના આવે ત્યાં સુધી ખેડૂતોને અડદના નાણાં પણ ના મળી શકે આમ તંત્રની બેદરકારીના કારણે ટેકાના ભાવે ખરીદ કરેલ અડદ સળી જવાનો સંભવ રહેલો છે અને ખેડૂતોને અડદના નાણાં માટે પણ રાહ જોવી પડે તેમ છે. ત્યારે ઝડપથી અડદ માટે વેરહાઉસ ફાળવવામાં આવે અને ખેડૂતોને સમયસર નાણાં મળે તે જરૂરી છે.