કોડીનાર, તા.૩
કોડીનાર, ઉના તથા તાલાલાગીર વિસ્તારમાં ચાલુ સાલે શેરડીનું પાંચ લાખ ટન આસપાસ ઉત્પાદન થનાર છે. ત્યારે કોડીનાર-ઉના તથા તાલાલાગીર ખાતેની ફેક્ટરી બંધ થઈ ગઈ હોવાથી આ ઉત્પન્ન થયેલી શેરડીનો ગોળ બનાવવા માટે આગામી દિવાળી પછી આ વિસ્તારમાં ગોળ બનાવવાના રાબડા ધમધમતા થશે.
ગીર સોમનાથ જિલ્લાના આ તમામ તાલુકાઓમાં મુખ્યત્વે પાક શેરડીનો છે. આ જિલ્લાના ત્રણેય તાલુકાની ખાંડ ફેક્ટરીઓ બંધ પડેલી છે. ત્યારે ખેડૂતોએ ઉત્પન્ન કરેલી શેરડીનો ગોળ બનાવવો અનિવાર્ય છે ત્યારે ગતવર્ષનો ઉત્પન્ન કરેલા ગોળના આશરે સાડા ત્રણ લાખ ડબ્બા ગોળનો સ્ટોક પડ્યો હોઈ ખેડૂતોને ગોળના પૂરતા ભાવ મળશે કે કેમ તે ચિંતામાં છે. ગુજરાતના ખેડૂતો જે ગોળ બનાવે છે તે ૮૦% શુગરવાળો સારો ગોળ બનાવે છે. તેની સામે બીજા રાજ્યોમાંથી ૮૦% નીચેની શુગરનો અખાધ ગણાતો ગોળ ગુજરાતમાં ઠલવાય છે. તે સદંતર બંધ થાય તો જ ગુજરાતના ખેડૂતોને ગોળના વ્યાજબી ભાવ મળી રહે. આ માટે ગીર સોમનાથ જિલ્લા ગોળ તથા શેરડી ઉત્પાદક ખેડૂતોની એક બેઠક ગોળના વેપારીઓ તથા કોલ્ડ સ્ટોરેજના માલિકો સાથે એક બેઠક મળી હતી એવું મંડળના પ્રમુખ બાલુભાઈ ગોહિલની યાદીમાં જણાવ્યું છે.