જાકાર્તા,તા.૨૧
ભારતને ૧૮મી એશિયાઈ ગેમ્સમાં મંગળવારે પુરૂષોની ૧૦ મીટર એર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધામાં સ્વર્ણ પદક પ્રાપ્ત થયો છે. ભારતના ૧૬ વર્ષીય નિશાનેબાજ સૌરભે આવતાંની સાથે જ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. સૌરભે એશિયાઈ રમતાં આ સ્પર્ધાનો રેકોર્ડ તોડતાં કુલ ૨૪૦.૭ (એશિયન ગેમ્સ રેકોર્ડ) પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો છે. આ ભારતના ખાતે ત્રીજા દિવસે પહેલો અને કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
આ ઉપરાંત આ સ્પર્ધામાં એક અન્ય નિશાનેબાજ અભિષેક વર્માએ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. અભિષેકે ફાઈનલમાં ટોપ-૩માં જગ્યા બનાવી અને અંતમાં કુલ ૨૧૯.૩ પોઈન્ટની સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતના ફાળે ૭ મેડલ આવ્યાં છે. સૌરભની પહેલાં કુશ્તીમાં બજરંગ પૂનિયા અને વિનેશ ફોગોટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ મેળવનાર દેશની યાદીમાં ભારત અત્યારે ૭માં સ્થાને છે. આજે ૨૮ ગોલ્ડ દાવ પર છે. ભારતને આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં દીપા કર્માકર અને આર્ચરીમાં દીપિકા કુમારી પાસેથી આશા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટે દેશની આશા પુરી કરીને બીજા દિવસે ઐતિહાસિક ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. પુરૂષ નિશાનેબાજ દિપક કુમાર અને લક્ષ્યે પણ ભારતને બે સિલ્વર મેડલ અપાવ્યા છે. બીજો દિવસ ભારત માટે સરભર રહ્યો. ભારતને ખુશી સાથે નિરાશા પણ થઈ, જેમાં સાક્ષી મલિક અને પુરૂષ કબડ્ડી ટીમની હાર સામે આવી હતી.મંગળવારે સંજીવ રાજપૂતે ૫૦ મીટર એર રાઇફલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.