(એજન્સી) પુડુચેરી,તા.૨૪
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદની હાજરીમાં હિજાબ પહેરનારી ગોલ્ડમેડલિસ્ટ વિદ્યાર્થીનિ સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. આ ઘટના કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારના રોજ પુડુચેરી યુનિવર્સિટીના ૨૭માં કોનવોકેશનમાં હાજરી આપી હતી. આ દરમ્યાન તેઓએ બધા ટૉપર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓને પોતાના હાથે સન્માનિત કર્યા હતા. પણ આ દરમિયાન યુનિવર્સિટીની એક ગોલ્ડમેડલ વિજેતા મુસ્લિમ વિદ્યાર્થીનિ રબીહાને હિજાબ પહેરવાને કારણે કેમ્પસની અંદર સમારોહમાં જવાથી રોકી દેવામાં આવી હતી. યુનિવર્સિટીની એક મુસ્લિમ વિદ્યાર્થીની રબીહા અબ્દુરેહિમે દાવો કર્યો હતો કે, રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં આવે તે પહેલા જ તેને ઓડિટોરિયમમાંથી બહાર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે રાષ્ટ્રપતિ ચાલ્યા ગયા ત્યારબાદ તેને અંદર આવવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. રબીહાએ કહ્યું કે મને ઓડિટોરિયમની બહાર કેમ કરવામાં આવી તે અંગે મને કોઈ જાણકારી આપવામાં આવી નહતી. પોલીસે મને ફક્ત એટલું જ કહ્યું કે તમારી સાથે થોડી વાત કરવી છે તે માટે તમને બહાર લઈ જઈએ છીએ. રહીબાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જ્યારે ઓડિટોરિયમમાંથી ચાલ્યા ગયા અને વિદ્યાથીઓને ડિગ્રી અને મેડલ્સનું વિતરણ કરી દેવામાં આવ્યું ત્યારબાદ મને અંદર જવા માટેની છૂટ આપવામાં આવી હતી. મેં માસ કમ્યુનિકેશનમાં પહેલો નંબર મેળવ્યો હતો અને કોન્વોકેશનમાં મને ગોલ્ડ મેડલ મળવાનો હતો. આ ઘટના બાદ રબીહાએ ગોલ્ડ મેડલ સ્વીકારવાનો ઈનકાર કરતા તેણે કહ્યું કે, સીએએ અને એનઆરસીના વિરોધમાં વિદ્યાર્થી દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પોલીસ તેમના પર બર્બરતા આચરી રહી છે. આવા તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ છે.

આ અધિકારોનું હનન છે : ચિદમ્બરમ

ગોલ્ડ મેડલિસ્ટ રબિહા અબ્દુરહીમની સાથે ભેદભાવ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે તેમનો સાથ આપ્યો છે. ટ્‌વીટ કરતાં તેમણે કહ્યું કે, પુડુચેરી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રબિહાને બહાર કરવી તેમના અધિકારો પર હુમલો છે તેઓએ બીજા એક ટ્‌વીટમાં કહ્યું કે, તે કોણ અધિકારી હતો જેને રબિહાને બહાર કાઢી અને તેને અંદર ન જવા દેવાઈ?અધિકારીએ વિદ્યાર્થીનિના નાગરિક અધિકરોનું ઉલ્લંઘન કર્યું છે અને તેને જવાબદાર ઠેરવવો જોઈએ.