જૂનાગઢ, તા.૧પ
તા.પથી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન આંધ્રપ્રદેશ ગુનતૂર ખાતે ૪૦મી નેશનલ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ-ર૦૧૯ યોજાઈ હતી. તેમાં ભારતના ર૮ રાજ્યોના ૩પ૦૦ ખેલાડી ભાઈ-બહેનોએ પોતાના ઈવેન્ટનું સુંદર પરફોરર્મેન્સ કરેલ હતું. આ ચેમ્પિયનશીપમાં વલ્ડ માસ્ટર્સ એથ્લેટીક્સના લાઈફ પ્રેસિડેન્ટ સ્ટેન પાર્કિન્સ, ઓસ્ટ્રેલિયા, જનરલ સેક્રેટરી મારિયા મેક્સિકો, વર્લ્ડ મહિલા પ્રતિનિધિ વીલમાં ઓસ્ટ્રેલિયા અને એએફએફઆઈના સેક્રેટરી વિલ્સન થોમસ ઈંગ્લેન્ડે નેશનલ સ્પર્ધા દરમિયાન ખાસ હાજરી આપેલ હતી. આ સ્પર્ધામાં માસ્ટર્સ એથ્લેટીક એસોસિએશન ઓફ ગુજરાત વતી કુલ ૧૦૭ ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તેમાં ૭૯ વર્ષના ભાનુમતિબેન પટેલે ૭પ વર્ષના એઈજ ગ્રુપમાં ભાગ લઈ પ૦૦૦ મીટર દોડ, ૧પ૦૦ મીટર દોડ અને પ કિ.મીટર ચાલવાની સ્પર્ધા સાથે ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલો મેળવી આંધ્રપ્રદેશ ગુનતૂરના દૈનિક પત્રો અને સ્થાનિક ચેનલોમાં જૂનાગઢના નામ સાથે છવાયેલા હતા. તેમજ પ૦ વર્ષના એઈજ ગ્રુપમાં જૂનાગઢના વનિતાબેન ગોંડલિયાએ વાંસ કૂદમાં ગોલ્ડ મેડલ મેળવેલ હતો.
માસ્ટર એથ્લેટીક એસોસિએશન ઓફ ગુજરાતની ટીમે કુલ ૧૭ મેડલો મેળવી ગુજરાતનું નામ રોશન કરી ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરેલ હતી. એસોસિએશનના પ્રમુખ વી.એન. પાઠક, જનરલ સેક્રેટરી આઈ.યુ.સિડા મેનેજર, તરસેમકુમાર અને જો.સેક્રેટરી જેડરિયાએ ટીમ સાથે હાજર રહી સ્પર્ધા સમયે ખેલાડીઓને ખાસ પ્રોત્સાહિત કર્યા હતા.