સોલ્ટ લેક સિટી, તા.રપ
ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ ખરાબ ફોર્મમાંથી બહાર આવીને અમેરિકામાં રમાઈ રહેલા તીરંદાજી વર્લ્ડકપમાં મહિલા રિકર્વમાં સુવર્ણચંદ્રક જીત્યો. દીપિકાએ ફાઈનલમાં જર્મનીની મિશેલી ક્રોપેનને ૭-૩થી પરાજય આપ્યો અને આ રીતે ૬ વર્ષ બાદ વર્લ્ડકપમાં સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો. વર્લ્ડકપ ફાઈનલમાં ચાર વખતની રજતચંદ્રક વિજેતા (ર૦૧૧, ર૦૧ર, ર૦૧૩ અને ર૦૧પ)એ આ જીતથી તુર્કીના સૈમસનમાં રમાનાર તીરંદાજી વર્લ્ડકપ ફાઈનલ માટે ક્વોલિયફાઈ કરી લીધું છે. સત્રની અંતિમ પ્રતિયોગિતામાં તે સાતમીવાર દેશનું પ્રતિનિધિત્વ કરશે. દિપિકાએ આ પહેલાં અંતાલ્યામાં ર૦૧રમાં ટાઈટલ જીત પ્રાપ્ત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે મેં આ સુવર્ણચંદ્રક જીત્યો ત્યારે મેં એ જ કહ્યું કે આખરે હું સફળ થઈ. દીપિકાને જો કે રિકર્વ મીક્સ ડબલ્સમાં નિરાશ થવું પડ્યું તેની અને અતનુ દાસની જોડી કાંસ્ય ચંદ્રકની પ્લે ઓફ મેચમાં હારી ગઈ.