દાહોદ,તા.૨૦
દાહોદ જિલ્લાના મીરાખેડી ડુંગરા ગામની સીમમાં રૂપાખેડા ગામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હત્યા કરનાર અજાણ્યા શખ્સો લાશને ઝાડીમાં નાખીને ફરાર થઈ ગયા હતા. પોલીસે હત્યા અને આર્મસ એક્ટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મિરાખડી ગામની સીમમાં આવેલા જંગલમાં લાશ પડી હોવાનો પોલીસને માહિતી મળી હતી જેથી લીમડી પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની તપાસ કરી હતી. પંચોની રૂબરૂમાં મળી આવેલ મૃતદેહની તપાસ કરતા રૂપાખેડા ગામના પારસીંગ ભલાભાઈ ભુરીયાની હતી. જે અજાણ્યા શખ્સો દ્વારા જમણા પગની સાથળમાં બંદૂકની ગોળી મારી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. રાત્રિના સમયે પોલીસ વિભાગ દ્વારા મૃતકની લાશનો પીએમ માટે લીમડી સરકારી હોસ્પિટલ પર ખસેડવામાં આવી હતી. મૃતક પારસીંગના ભાઈએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.