ડિસેમ્બર માસમાં સીએએ સમર્થક રેલીમાં ‘‘દેશ કે ગદ્દારોં કો ગોલી મારો’’નો સૂત્રોચ્ચાર કરનારા ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઉમેદવાર કપિલ મિશ્રા મોડેલ ટાઉન વિધાનસભા મતવિસ્તારમાંથી ૧૧,૦૦૦ મતોથી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના અખિલેશ પતી ત્રિપાઠીએ તેમને હરાવ્યા હતા જ્યારે કોંગ્રેસના આકાંક્ષા ઓલા ત્રીજા નંબરે રહ્યા હતા.  અરવિંદ કેજરીવાલ સાથે જાહેરમાં તકરાર બાદ ભાજપમાં સામેલ થયેલા આપના પૂર્વ સાંસદ મિશ્રાએ કહ્યું કે, દિલ્હીના લોકો પાસે અમારે ફરી જવાની જરૂર છે. અમે એક મજબૂત વિપક્ષ તરીકે ઉતરીશું. જીત ના મળવા બદલ માફી માગું છું. લોકોની માગણીઓને અમે સમજી શક્યા નહીં. ઉલ્લેખનીય છે કે, મિશ્રા ગણતરી દરમિયાન ક્યારેય આગળ થયા ન હતા. પહેલા તેઓએ કહ્યું કે, પાંચથ છઠ્ઠા રાઉન્ડમાં તેઓ આગળ થઇ જશે. હારની સાથે જ તેમણે આપની સામે પ્રહારો કરવાનું બંધ કરી દીધું હતું. કપિલે કહ્યું કે, આ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપવાનો દિવસ છે. બીજી તરફ અખિલેશ ત્રિપાઠીએ મોડલ ટાઉનમાં ફરીવાર જીત મેળવ્યા બાદ કેજરીવાલનો વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન કપિલ મિશ્રાએ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા જેમાં ‘આપનું નામ મુસ્લિમ લીગ પાડી દેવું જોઇએ, ચૂંટણીના દિવસે દિલ્હીમાં ભારત-પાકિસ્તાન જંગ થશે, શાહીનબાગમાં પાકિસ્તાનનો પ્રવેશ, દિલ્હીમાં કેટલાક પાકિસ્તાન, શાહિનબાગ,ચાંદબાગ, ઇન્દ્રલોકમાં કાયદા નથી ચાલતા અને પાકિસ્તાનીઓનો દિલ્હીના માર્ગો પર કબજો’ જેવા નિવેદનો આપ્યા હતા.