(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૨૩
ટેક્સસમાં ગત અઠવાડિયે થયેલ ગોળીબારમાં મૃત્યુ પામેલ પાકિસ્તાની વિદ્યાર્થિનીને બુધવારે તેણીના શહેર કરાચીમાં દફનાવવામાં આવી હતી. તેણીના કોફિનને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યું હતું. ૧૭ વર્ષીય સબિકા શેખ સાંતાફે હાઈસ્કૂલમાં થયેલ હુમલામાં મૃત્યુ પામેલ ૮ વિદ્યાર્થીનો અને બે શિક્ષકોમાંની એક હતી. તેણીની દફનવિધિમાં ભાગ લેનાર ૪૦૦ લોકોમાં યુએસ રાજદૂત ડેવિડ હેલ અને સ્થાનિક રાજનેતાઓનો સમાવેશ થાય છે. કરાચીમાં સત્તાધીશ પક્ષના વરિષ્ઠ નેતા આમીરખાને આ મુદ્દે વાત કરતા કહ્યું કે, ‘વિશ્વ પર આતંકવાદનો આરોપ મૂકતા દેશમાં તેણી પોતે આતંકવાદનો ભોગ બની.’ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ યુએસ ગયેલ સબિકા ૯ જૂનના રોજ પાકિસ્તાન પરત ફરનાર હતી.