અમદાવાદ, તા.૨
ગોમતીપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તામાં અંતરાયરૂપ અને અનઅધિકૃત રહેઠાણ અને કોમર્શીયલ મિલકતો તોડવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઇ સ્થાનિક લોકોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. એક તક્કે સ્થાનિકોના વિરોધ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનોની દરમ્યાનગીરીથી મામલો ગરમાયો હતો. સ્થાનિક નાગરિકોએ ખાસ કરીને મહિલાઓએ ડિમોલિશનની કામગીરી દરમ્યાન પોલીસ અને અમ્યુકોના અધિકારીઓ સમક્ષ સ્થાનિક આગેવાનોએ વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગણી કરાઇ હતી. સમગ્ર મામલો ગરમાતાં બાદમાં મ્યુનિસિપલ કમિશનરે સ્થાનિકોને તેમના મકાન અને કોમર્શીયલ બાંધકામો ખાલી કરવા માટે વધુ પંદર દિવસની મહેતલ આપી હતી. શહેરના ગોમતીપુર વિસ્તારમાં આજે અમ્યુકોની ટીમ પોલીસના માણસો સાથે રાખીને બુલડોઝર અને જેસીબી મશીનો સાથે પહોંચી હતી અને ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. જો કે, જે સ્થળે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યાંના અસરગ્રસ્તોને હજુ સુધી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. તેમજ હાલ પડી રહેલી કડકડતી ઠંડી અને પરીક્ષાઓ ચાલી રહી હોવાથી પ્રજામાં રોષ સ્પષ્ટ રીતે સામે આવ્યો હતો. સ્થાનિક આગેવાનો પણ આ વખતે ઉપસ્થિત રહી અમ્યુકો અને પોલીસના અધિકારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરી હતી. બીજીબાજુ, સ્થાનિકોની લાગણી અને માંગમી સમજીને ડિમોલેશન મામલે કોંગ્રેસના ધારાસભ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાનિકોને મકાન અને કોમર્શીયલ મિલકતો ખાલી કરવા ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે સ્થાનિકોને મકાનના વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે કોર્પોરેશન મકાનની વ્યવસ્થા કરી આપશે. જ્યારે ગેરકાયદે દુકાનો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવશે. જેથી કોમર્શીયલ મિલ્કતધારકોમાં એક તબક્કે ભારે ફફડાટની લાગણી ફેલાઇ હતી.