(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
શહેરના ગોમતીપુર વોર્ડમાં આવેલ વિવિધ ચાલીઓ અને સોસાયટીઓમાં છેલ્લા એક મહિનાથી સતત ઉભરાઈ રહેલી ગટરો સ્થાનિક લોકો માટે માથાનો દુઃખાવો બની રહી છે. ઉપરાંત પ્રદૂષિત પાણીનો પ્રશ્ન પણ વિકરાળ બની રહેતા મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ, અન્ય કાર્યકરો તથા સ્થાનિક લોકોએ મસ્ટર સ્ટેશન ખાતે જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હલ્લો બોલાવ્યો હતો. જો ૪૮ કલાકમાં ગટર અને પાણીના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અધિકારીઓનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગોમતીપુરના મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખની આગેવાનીમાં કાઉન્સિલર ટીનાભાઈ વિસનગરી, આગેવાનો રફીક ઘાંચી, ખુરશીદ શેખ, અકરમભાઈ, અલીમ અન્સારી મોહસીનખાન, શરીફભાઈ, અમ્બુભાઈ, રફીકભાઈ, કાદરભાઈ, મુબીનભાઈ સહિત સ્થાનિકો મળી ૧૦૦થી વધુ લોકો ચકુડિયા ખાતે આવેલ મસ્ટર સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં હલ્લો બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડેપ્યુટી સિટી ઈજનેરને રજૂઆત કરી હતી અને ૪૮ કલાકમાં ગટર અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચીમકી આપી જણાવ્યું હતું કે, ૪૮ કલાકમાં આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અધિકારીઓનો ઘેરાવ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા ફરજ પાડવામાં આવશે.
પૂર્વ ઝોનના એડિશનલ સિટી ઈજનેરને આવેદન પાઠવી પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, ગોમતીપુર વોર્ડની અસંખ્ય ચાલીઓ અને સોસાયટીઓમાં છેલ્લા ૧ માસથી ગટરો ઉભરાઈ રહી છે. ઉપરાંત તમામ સ્થળે પ્રદૂષિત પાણી આવે છે, પરિણામે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ચાલીઓ અને વસાહતોમાં ટોપી મિલ સામે આવેલ ચંપા મસ્જિદ અને અશોકનગર રોડ, અમનગર અને શકરા ઘાંચીની ચાલીથી ઝુલતામિનારા, શેઠ કોઠાવાડી ચાલી, ઉષા રોડ સામે આવેલ સુવાપંખીની ચાલી, ડોક્ટરની ચાલી, હાજી ગફ્ફારની ચાલી, માર્સ્ડન મિલની ચાલીના સમગ્ર રોડ, બળયા કાકા પાસે આવેલ શંભુ પટેલની ચાલીથી લાલ મિલ રોડ, અજીત મિલ રેસિડેન્સીમાં આવેલ ગરીબનવાઝ મસ્જિદની લાઈન, અજીત મિલમાં આવેલ ગરીબ આવાસ યોજનાના મકાનોમાંની સમગ્ર લાઈનો, મોહનલાલની ચાલીથી નવી મસ્જિદના વિસ્તારની લાઈનો, હોજવાલી મસ્જિદથી સુથારવાડા થઈને મનિયાર પંથની ચાલી અને મનિયાર વાડાની લાઈન, વાજાવાડી ચાલી પાસેથી સોની ચાલીથી પટેલ મિલની ચાલીની લાઈનોનો સમાવેશ થાય છે.