અમદાવાદ,તા. ૧૧
ગુજરાત હાઇકોર્ટે રાજકોટના ચકચારભર્યા નીલેશ રૈયાણી ખૂન કેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા સહિત ત્રણ આરોપીઓને જન્મટીપની સજા ફટકારી છે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ભાજપને જોરદાર પછડાટ મળી છે તો કોંગ્રેસને વધુ એક મુદ્દો ભાજપ પર પ્રહાર કરવા માટેનો મળી ગયો છે. હાઇકોર્ટે આજીવન કેદની સજા પામનાર ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણેય આરોપીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. હાઇકોર્ટે આરોપીઓને સજાના આ હુકમ સામે સુપ્રીમકોર્ટમાં જવા માટે તા.૩૦મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. નીલેશ રૈયાણી ખૂન કેસમાં ૨૦૧૦માં રાજકોટની સેશન્સ કોર્ટે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. જો કે, ગુજરાત હાઇકોર્ટે નીચલી કોર્ટના આ ચુકાદાને ફેરવી કાઢી આરોપી ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા અને તેના બે મદદગાર આરોપીઓ અમરજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત રાણા એમ ત્રણ આરોપીઓને આજીવન કેદ ફટકારતાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાઇકોર્ટે ભાજપના આરોપી ધારાસભ્ય સહિતના ત્રણેય આરોપીઓને જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારવા માટે તા.૩૦ સપ્ટેમ્બર,૨૦૧૭ સુધીનો સમય આપ્યો છે. રાજકોટના ગોંડલ ખાતે રાજાવાડીની ૩૫ એકર જમીનના વિવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઝઘડો અને તકરાર ચાલતા હતા. જેમાં ગત તા.૮-૨-૨૦૦૪ના રોજ નીલેશ રૈયાણી નામના યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરી દેવાઇ હતી. આ જમીનની અદાવતમાં વિક્રમસિંહ રાણા ઉર્ફે વિનુ શિંગાળાની હત્યાનો બદલો લેવા નીલેશ રૈયાણીનું મર્ડર કરાયું હતું. ચકચારભર્યા આ કેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજા સહિતના આરોપીઓના નામો બહાર આવ્યા હતા. આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે ૨૦૧૦માં સમીરખાન પઠાણ નામના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી, જયારે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજા સહિતના અન્ય ૧૨ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. આ હુકમ સામે ફરિયાદપક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અપીલની સુનાવણીના અંતે હાઇકોર્ટે નીચલી સેશન્સ કોર્ટનું આખું જજમેન્ટ ફેરવી નાંખ્યું હતું અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજાને જન્મટીપની આકરી સજા ફટકારી હતી, જયારે સમીરખાન પઠાણ સહિતના બાકીના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા.
મહેન્દ્રસિંહ રાજકોટની ખીરસરા પેલેસના માલિકનો નાનો ભાઈ છે

આ કેસમાં જન્મટીપની સજા પામનાર મહેન્દ્રસિંહ રાણા એ રાજકોટની હેરીટેજ ખીરસરા પેલેસ હોટલના માલિક દિલીપસિંહ રાણાના નાના ભાઇ છે. હજુ ગયા મહિને જ દિલીપસિંહના એકના એક પુત્ર યશરાજસિંહનું અકસ્માતમાં મોત નીપજયુ હતું અને હવે તેમના નાના ભાઇ મહેન્દ્રસિંહ રાણાને નીલેશ રૈયાણી ખૂન કેસમાં આજીવન કેદની સજા થઇ છે. મહેન્દ્રસિંહ રાણા ભગત નામથી જાણીતા છે અને એક સમયે તે ઇન્ડિયન ક્રિકેટમાં અંડર-૧૯ ટીમના કેપ્ટન હતા. તે રણજી પ્લેયર તરીકે રમી ચૂકયા છે.