(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ગૂગલ ડૂડલ પર કોઈ વ્યક્તિના જન્મદિવસની ઉજવણી કરવી તે વ્યક્તિની મહાનતાનો પરિચય આપે છે. તેવી જ રીતે ગઈકાલે ગૂગલ ડૂડલે એક મહાન વ્યક્તિના જન્મદિવસની ઉજવણી કરી. ગઈકાલે અબ્દુલ કાવી દેસનવીનો જન્મદિવસ હતો. ગૂગલે એવું ડૂડલ રજૂ કર્યું હતું જેનાથી એવું લાગે કે દેસનવી આપણી વચ્ચે બેસીને લખી રહ્યા છે. તેમનું લખાણ હંમેશા આપણી સાથે રહેશે. અબ્દુલ કાવી દેસનવી એક પ્રસિદ્ધ ભારતીય ઉર્દૂ ભાષાના કવિ, ગ્રંથ સૂચિકર અને અનેક ભાષાઓના જ્ઞાનિ હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો લખ્યા છે. તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન મૌલાના અબુલ કલામ આઝાદ, મિર્ઝા ગાલિબ અને સર મોહમ્મદ ઈકબાલ વિશે છે. દેસનવીનો જન્મ ૧ નવેમ્બર ૧૯૩૦ના રોજ બિહારના દેસા ગામમાં થયો હતો. તેમના પિતા સૈયદ મોહમ્મદ સઈદ રઝા, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાના પ્રોફેસર હતા. ૧૯૬૧માં સેન્ટ ઝેવિયર્સમાંથી પોતાનો કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ અબ્દુલ કાવી દેસનવી સૈફિયા પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, ભોપાલમાં ઉર્દૂ વિભાગમાં સામેલ થયા હતા. અબ્દુલ કાવીએ ભોપાલમાં ૭ જુલાઈ ર૦૧૧ના રોજ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.