(એજન્સી) સાન ફ્રાન્સિસ્કો,તા.૪
ગ્લોબલ બ્રાન્ડ કન્સલટન્સી ઈન્ટરબ્રાન્ડે ગુરૂવારે ‘બેસ્ટ-૧૦૦ ગ્લોબલ બ્રાન્ડ ૨૦૧૮’ લિસ્ટ જાહેર કર્યું છે. તે પ્રમાણે ગૂગલને પાછળ મુકીને એપલ દુનિયાની ટોપ બ્રાન્ડ થઈ ગઈ છે. બીજી બાજુ ડેટા ચોરીના વિવાદના કારણે ફેસબુક ૮માંથી ૯માં નંબરે પહોંચી ગયું છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે ૫૬ ટકાના ગ્રોથ સાથે એમેઝોન દુનિયાની ત્રીજા નંબરની ટોપ બ્રાન્ડ બની ગઈ છે. ૨૦૧૭ના લિસ્ટમાં તે પાંચમાં નંબરે હતી.
રેન્કિંગ પ્રમાણે એપલની બ્રાન્ડ વેલ્યુ ૧૬% વધી છે. તે ૧૮૪ અબજ ડોલર (૧૩.૫૭ લાખ કરોડ રૂપિયા)થી ૨૧૪.૫ અબજ ડોલર એટલે કે ૧૫.૭૯ લાખ કરોડ થઈ ગઈ છે. એપલ અમેરિકાની પહેલી એવી કંપની છે જેની માર્કેટ કેપ એક લાખ કરોડ ડોલર છે. બીજા નબંરે આવેલી ગૂગલની વેલ્યુ ૧૦ ટકા વધારા સાથે ૧૫૫.૫ અબજ ડોલર (૧૧.૨૩ લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. ૨૦૧૭માં કંપનીની બ્રાન્ડ વેલ્યુ (૧૦.૪ લાખ કરોડ) હતી.
૧૦૦.૮ અબજ ડોલર(૭.૩૭ લાખ કરોડ)ની કિંમત સાથે એમેઝોન ત્રીજા નંબરે છે. ગયા વર્ષે તેની બ્રાન્ડ વેલ્યુ ૬૪.૭ અબજ ડોલર (૪.૭૭ લાખ કરોડ) હતી. ચોથા નબંરે માઈક્રોસોફ્ટ છે. જેની બ્રાન્ડ વેલ્યુ ૨૦૧૭માં ૭૯.૯ અબજ ડોલર (૫.૮૯ લાખ કરોડ) હતી. તે વધીને ૯૨.૭ અબજ ડોલર (૬.૮૪ લાખ) આંકવામાં આવી છે. ૬૬.૩ અબજ ડોલર (૪.૮૯ લાખ કરોડ રૂપિયા)ની બ્રાન્ડ વેલ્યુ સાથે કોકા કોલા પાંચમા નંબરે અને સેમસંગ ૫૯.૮ અબજ ડોલર (૪.૪૧ લાખ કરોડ) સાથે છઠ્ઠા નંબરે છે.
કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કૌભાંડ પછી ફેસબુકની બ્રાન્ડ વેલ્યુ ૬ ટકા ઘટી છે અને તે ટોપ બ્રાન્ડની યાદીમાં ૯માં નંબરે આવી ગઈ છે. ૨૦૧૭માં ફેસબુકની બ્રાન્ડ વેલ્યુ ૪૮.૧ અબજ ડોલર (૩.૫૪ લાખ કરોડ) હતી, જે હવે ૪૫.૧ અબજ ડોલર (૩.૩૨ લાક કરોડ રૂપિયા) થઈ ગઈ છે.