(એજન્સી) તા.૧
ઝાબુઆ વિધાનસભા સીટ પર થનારી ઉપચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા મધ્યપ્રદેશના નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે સોમવારે વિવાદિત નિવેદન આપતાં જણાવ્યું કે, આ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે થનારી ચૂંટણી નથી પરંતુ આ ભારત તેમજ પાકિસ્તાન વચ્ચેની ચૂંટણી છે. સમાચાર મુજબ ભાર્ગવે જણાવ્યું કે, આ બેઠક પર ભાજપ ઉમેદવાર ભાનુ ભૂરિયા ભારતના પ્રતિનિધિ છે માટે તેમને જીતાવો, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કાંતિલાલ ભૂરિયા પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે છે. ભાનુ ભૂરિયાના ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે નીકાળવામાં આવેલી રેલીને રજવાડા ચોક પર સંબોધિત કરતા ભાજપ નેતા ભાર્ગવે જણાવ્યું કે, આ સમયે દેશની આબરું દાવ પર છે. આ કોઈ બે પાર્ટીની ચૂંટણી નથી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચૂંટણી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભૂરિયા (૬૮) તેમજ ભાનુ ભૂરિયા (૩૬)એ અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પરથી આજે પોતપોતાના ઉમેદવારી પત્ર દાખલ કર્યા છે. બન્નેની વચ્ચે આ સીટ પર સખ્ત હરિફાઈ થઈ શકે છે. ભાજપ ધારાસભ્ય ગુમાનસિંહ ડામોરના ત્યાગપત્ર આપવાથી ઝાબુઆ સીટ હાલમાં ખાલી છે. ડામોર આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં રતલામ-ઝાબુઆ બેઠકથી સાંસદ બની ગયા છે. માટે તેમણે ઝાબુઆ વિધાનસભા સીટથી રાજીનામું આપ્યું છે. ઝાબુઆ વિધાનસભા બેઠક પર ર૧ ઓક્ટોબરે ઉપચૂંટણી થશે અને મતગણતરી ર૪ ઓક્ટોબરે થશે.