(એજન્સી)
નવી દિલ્હી,તા.૧પ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભવ્ય વિજયથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી (આપ)એ રાષ્ટ્રીય રાજધાની બહાર તેનો પાયો મજબૂત કરવાની મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્થાનિક સ્વરાજ્યની બધી ચૂંટણીઓ લડવાનું નક્કી કર્યું છે. આપના વડા અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ ગોપાલ રાયે જણાવ્યું કે પાર્ટીએ પ્રથમ તબક્કામાં પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ લડવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે પક્ષનો સકારાત્મક રાષ્ટ્રવાદ રજૂ કરીને આમ આદમી પાર્ટીના વિસ્તરણ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે પાર્ટી દ્વારા રવિવારે તેની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી છે. ગોપાલ રાયે એવું પણ કહ્યું કે રવિવારે યોજાનારી આપની બેઠકનો એજન્ડા સમગ્ર દેશમાં પાર્ટીના કેડર્સ બનાવી અને ભારે સંખ્યામાં વોલન્ટિયર્સ સહિત રાષ્ટ્રીય સ્તરે અમારા સંગઠનનું વિસ્તરણ કરવાનો છે. તેમણે એવું પણ કહ્યું કે ૯૮૭૧૦૧૦૧૦૧ ફોન નંબર પર મિસ્ડ કોલ કરીને લોકો આપની ‘રાષ્ટ્ર નિર્માણ ઝુંબેશ’માં જોડાઇ શકશે. અમે આ ઝુંબેશથી લોકો સુધી પહોંચીશું અને ભારે સંખ્યામાં તેમને વોલન્ટિયર્સ બનાવીશું.